મુખ્ય સમાચાર
News of Saturday, 1st October 2022

૧૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનારા વેપારીઓ માટે આજથી ઇ-વે બિલ ફરજીયાત

રિટર્નમાં વેચાણની વિગતો ભરવામાં ભૂલ થઇ ગઇ હોય તો તે ભૂલ સુધારી લેવા માટે પણ ૩૦મી નવેમ્‍બર સુધીનો સમય વેપારીઓને આપવામાં આવ્‍યો : ગયા વર્ષની કલેઇમ કરવાની બાકી રહી ગયેલી ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ મેળવવા માટે વેપારીઓને ૩૦મી નવેમ્‍બર સુધીની સમય આપવામાં આવ્‍યો

નવી દિલ્‍હી તા. ૧ : વાર્ષિક ૧૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે પહેલી ઓકટોબરથી ઇ-વે બિલ બનાવવાનું ફરજીયાત કરી દેવામાં આવ્‍યું છે. અત્‍યાર સુધી વાર્ષિક રૂા. ૨૦ કરોડનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે આ જોગવાઇ લાગુ કરવામાં આવી હતી. પહેલી ઓકટોબર ૨૦૨૨થી રૂા. ૧૦ કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે આ જોગવાઇ ફરજીયાત કરી દેવામાં આવી છે.

બીજી તરફ ગયા નાણાકીય વર્ષ દરમિયાન જીએસટી જમા કરાવ્‍યા પછી જે વેપારીઓ ઇનપુટ ટેકસ ક્રેડિટ લેવાનું ચૂકી ગયા હોય તે વેપારીઓને માટે ઇનપુટ ટેકસક્રેડિટ કલેઇમ કરવાની મુદત ૩૦મી સપ્‍ટેમ્‍બરથી વધારીને ૩૦મી નવેમ્‍બર કરી આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્‍યો છે. તેના અનુસંધાનમાં જ રિટર્નની વિગતો જાહેર કરવાની અને ક્રેડિટ નોટસ ઇશ્‍યુ કરવાની મુદત પણ ૩૦મી સપ્‍ટેમ્‍બરથી લંબાવીને ૩૦મી નવેમ્‍બર કરી દેવામાં આવી છે. જીએસટીની ઇનપુટ ટેકસ ક્રેડિટ લેવા માટે વધારાનો સમય ફાળવી આપીને સરકારે વેપારીઓની જીએસટીની જોગવાઇઓનું પાલન કરવા માટે વધારાનો સમય આપ્‍યો છે. આમ ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ કલેઇમ કરવા માટેના રિટર્ન ફાઇલ કરવાની મુદત પણ બે મહિના લંબાવવામાં આવી છે.  જીએસટીના ક્રેડિટ સ્‍ટેટમેન્‍ટમાં ઓટો ડ્રાફટ થયેલા હિસાબો પ્રમાણે વેપારીને ઇનપુટ ટેકસ ક્રેડિટ મળવાને પાત્ર નહિ હોય તો તેવા સંજોગોમાં વેપારીઓને ઇનપુટ ટેકસ ક્રેડિટ મળશે જ નહિ. તેમાં દર્શાવવામાં આવી હશે અને કલેઇમ કરવાની રહી ગઇ હશે તો જ વેપારીને ઇનપુટ ટેક્‍સ ક્રેડીટ મળી શકશે. સપ્‍લાયર દ્વારા માહિતી કેટલી અને કેવી પૂરી પાડવામાં આવી છે તેના પર પણ તેમને ઇનપુટ ટેકસ ક્રેડિટ મળવાપાત્ર છે કે નહિ તે નક્કી થશે.

ગુડસ એન્‍ડ સર્વિસ ટેકસના નિયમ પ્રમાણેના રિટર્ન છ માસ સુધી ફાઇલ ન કર્યા હોય તેવા વેપારીઓના જીએસટી રજીસ્‍ટ્રેશન કેન્‍સલ કરી દેવામાં આવશે. એકાઉન્‍ટીંગના કામ કરતી પેઢીઓ માટે જીએસટીની ક્રેડિટ કલેઇમ કરવા માટેની જૂની જોગવાઇમાં ફેરફાર કરી દેવામાં આવ્‍યો હોવાથી તેમણે આગામી દિવસોમાં જીએસટીના કોમ્‍પ્‍લાયન્‍સ માટે નવેસરથી પ્રયાસ કરવા પડશે.

જીએસટીના રિટર્નમાં વેચાણને લગતી વિગતો ભરવામાં કોઇ ભૂલ થઇ ગઇ હોય તો તે ભૂલ સુધારી લેવા માટેની તારીખ પણ લંબાવીને ૩૦મી નવેમ્‍બર કરી આપવામાં આવી છે. તેની સાથે ગયા વર્ષના સમયગાળા માટે વિગતો રિટર્નમાં નહિ દર્શાવવામાં આવી હોય તો અત્‍યારે વેચાણ અંગેના જીએસટીના રિટર્ન અને વેપારના થયેલા વહેવારો અંગેની માસિક વિગતો રજૂ કરી શકાશે નહિ.

(3:47 pm IST)