મુખ્ય સમાચાર
News of Monday, 1st October 2018

જાણો છો ? આજથી કયા-કયા નવા નિયમો અમલી બન્યા

LPG-CNG મોંઘા થયા : કોલડ્રોપ થશે તો દંડ, નાની બચત પર વધુ વ્યાજ, TDSની નવી જોગવાઇઓ લાગુ

નવી દિલ્હી, તા. ૧ : આજ એટલે કે ૧ ઓકટોબરથી ઘણી બધી વસ્તુઓ એક સાથે ફેરફાર થઇ રહ્યા છે. જેની સીધી અસર પ્રજા પર પડવાનું નક્કી છે. એક ઓકટોબરથી નાની બચતમાં વ્યાજમાં વધારો મળશે તો પાઇપ લાઇન દ્વારા મળતો રાંધણ ગેસ મોંઘો થયો છે.

(૧) એલપીજી અને સીએનજી મોંઘો

પેટ્રોલ-ડીઝલના વધારા પછી હવે સરકારે ઘરેલુ સબસીડીવાળા ગેસ સીલીન્ડરની કિંમતમાં ર.૮૯ રૂપિયા વધારી દીધા છે. સબસીડી વાળા ગેસ સીલીન્ડરની કિંમત હવે ૪૯૯ રૂપિયા પ૧ પૈસાના બદલે પ૦ર રૂપિયા ૪૦ પૈસાનો મળશે. જયારે સબસીડી વગરનો સીલીન્ડર ૮ર૦થી વધીને ૮૭૯ રૂપિયાનો થયો છે. આ સાથે જ સીએનજીની કિંમતમાં ૧ રૂપિયા ૭૦ પૈસાથી માંડીને ૧ રૂપિયો ૯પ પૈસાનો વધારો થયો છે.

(ર) કોલડ્રોપ થશે તો મોબાઇલ કંપનીને દંડ

કોલડ્રોપને ફરીથી રોકવાની દિશામાં આજથી નવી પહેલ થશે. ટ્રાઇનું કહેવું છે કે નવા પેરામીટર અમલમાં આવતા કોલડ્રોપની સમસ્યામાં મોટો ફેરફાર થશે. જેમાં કોલડ્રોપ માટે મોબાઇલ કંપનીઓ પર મોટા દંડની જોગવાઇ છે. ર૦૧૦ પછી પહેલીવાર કોલડ્રોપની પરિભાષામાં ફેરફાર કરાયો છે.

(૩) પીપીએફ, એનએસસી, સુકન્ય સમૃદ્ધિ પર વધારે વ્યાજ

સરકારે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રીમાસિક ગાળા એટલે કે ઓકટોબરથી ડીસેમ્બર માટે નાની બચત યોજના પર વ્યાજ દરમાં વધારો કર્યો છે જે આજથી લાગુ થશે. નાની બચત યોજનાઓ પર પહેલા કરતા ૦.૪૦ ટકા વધારે વ્યાજ મળશે.

(૪) પીએનબીમાંથી લોન મોંઘી

પંજાબ નેશનલ બેંકે નાની અને લાંબી મુદ્દતની લોનોના વ્યાજ દરમાં વધારો કર્યો છે તેના કારણે પીએનબીની ઓટો અને પર્સનલ લોન મોંઘી થશે.

(પ) ઇ-કોમર્સ કંપનીઓએ

ટીસીએસ કાપવો પડશે

ઇ-કોમર્સ કંપનીઓએ જીએસટી સીસ્ટમ હેળ ટેક્ષ કલેકટેડ એટ સોર્સ (ટીસીએસ)ના કલેકશન માટે જયાં તેના સપ્લાયરો હોય તેવા દરેક રાજયોમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે, સાથે જ વિદેશી કંપનીઓએ આવું રજીસ્ટ્રેશન કરાવવા માટે એક એજન્ટ પણ નિમવો પડશે.

(૬) ટીડીએસની જોગવાઇ લાગુ થશે

૧ ઓકટોબરથી જીએસટી કાયદા હેઠળ નોટીફાઇડ કંપનીઓએ હવે અઢી લાખ રૂપિયાથી વધારેના ગુડઝ અને સર્વિસની સપ્લાય પર ૧ ટકો ટીડીએસ લેવો પડશેે. આ સાથે જ રાજયોએ પણ રાજયના કાયદા હેઠળ ૧ ટકો ટીડીએસ લગાડવો પડશે.

(૭) બોમ્બે સ્ટોક એક્ષચેન્જ

લેવડ-દેવડનો ચાર્જ નહી લે

બોમ્બે સ્ટોક એક્ષચેંજ આજથી કોમોડીટી ડેરીવેટીવ્સમાં કારોબાર શરૂ કરશે. એક્ષચેન્જે કહ્યુ કે કોમોડીટી બજારમાં તે એક વર્ષ સુધી લેવડ-દેવડનો કોઇ ચાર્જ નહી લે.

(4:05 pm IST)