મુખ્ય સમાચાર
News of Monday, 1st October 2018

RBIની પોલિસી સમીક્ષામાં વ્યાજદર વધે તેવી સંભાવના

વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો થઇ શકે : ત્રીજીથી આરબીઆઈની ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા શરૂ થશે : પાંચમીએ વ્યાજદર અંગે નિર્ણય લેવાશે

નવી દિલ્હી, તા.૩૦ : શેરબજાર, ઉદ્યોગ જગત, કોર્પોરેટ હાઉસ અને સામાન્ય લોકો જેની રાહ જોઈ રહ્યા છે તે રિઝર્વ બેંકની ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા ત્રીજી અને પાંચમી ઓક્ટોબર વચ્ચે મળી રહી છે. ત્રીજી ઓક્ટોબરથી આ બેઠક શરૂ થયા બાદ પાંચમી સુધી ચાલશે. વ્યાજદર વધશે કે કેમ તેને લઇને આર્થિક નિષ્ણાતોમાં ફરી એકવાર ચર્ચા છેડાઈ ચુકી છે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે, આરબીઆઈ ત્રીજી વખત વ્યાજદરમાં વધારો કરી શકે છે. એકબાજુ ડોલર સામે રૂપિયાની હાલત ખુબ જ કફોડી બનેલી છે. ડોલર સામે રૂપિયામાં અવિરત અવમુલ્યન, ક્રૂડ ઓઇલની કિંમતમાં સ્થિર વધારા સહિતના પરિબળો વચ્ચે આરબીઆઈ પોતાની પોલિસી સમીક્ષામાં વ્યાજદરમાં વધારો કરી શકે છે. ફેડરલ રિઝર્વ દ્વારા ત્રીજી વખત વ્યાજદરમાં વધારો કરી દેવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, પોતાની ઓગસ્ટ પોલિસીમાં આરબીઆઈ દ્વારા સતત બીજી વખત રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરી દેવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટનો આંકડો ૬.૫૦ ટકા રહ્યો હતો. આરબીઆઈની પોલિસી સમીક્ષાના શરૂઆતના બે દિવસમાં વ્યાપક વિચારણા કરવામાં આવશે ત્યારબાદ વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય જાહેર કરવામાં આવશે. જુદી જુદી અર્થશાસ્ત્રીઓની ટીમ માની રહી છે કે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં આરબીઆઈની નીતિ સમીક્ષામાં વ્યાજદર વધારવા પડશે. વ્યાજદર વધવાની સ્થિતિમાં લોન વધુ મોંઘી બની શકે છે. લોન મોંઘી બનતા ઓટો કંપનીઓને માઠી અસર થઇ શકે છે. કારણ કે ખરીદીના આંકડામાં તેના ઉપર અસર થશે. મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ અથવા તો એક્ટિવિટીના આંકડા ઓગસ્ટ મહિનામાં ઉલ્લેખનીયરીતે સુધર્યા હતા. રિટેલ અને હોલસેલ ફુગાવાના આંકડાના આધાર પર આરબીઆઈ દ્વારા નિર્ણય લેવાશે.

(12:00 am IST)