મુખ્ય સમાચાર
News of Saturday, 1st September 2018

ચાલો ગુજરાત - ચાલો ઇન્ડિયા ૨૦૧૮ એસોસીએશન ઓફ ઇન્ડિયન અમેરિકન ઇન નોર્થ અમેરિકા (AIANA) આયોજીત ત્રિ દિવસીય મહોત્સવનો રંગેચંગે પ્રારંભઃ ભારે વરસાદ, વર્કિંગ ડે હોવા છતાં ભારતીય જનસમુદાયે ઉલ્લાસભેર ભાગ લીધો

નાસિક ઢોલ, તથા સ્વામી પરમાત્માનંદજીના આશિર્વચનો અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે શુભારંભ થયેલા કાર્યક્રમને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ શુભેચ્છાઓ જીવંત પ્રસારણ સાથે પાઠવીઃ માણો પ્રથમ દિવસની તસ્વીર ઝલક

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ ચાલો ગુજરાત ચાલો ઇન્ડિયા કાર્યક્રમનો રેટિનન સેન્ટર, એડિસન (ન્યુજર્સી) ખાતે ભવ્ય પ્રારંભ થયો. ભારે વરસાદ અને વર્કિંગ ડે હોવા છતાં ભારતીયજન સમુદાયે ઉલ્લાસભેર સાંજના પાંચ વાગ્યાથી મધ્યરાત્રિના બાર વાગ્યા સુધી કાર્યક્રમને માણ્યો હતો.

એસોસીએશન ઓફ ઇન્ડિયન ઇન નોર્થ અમેરિકા (આઇના) એ ઇસ.ર૦૦૬ થી જાણીતા મોટેલિયર શ્રી સુનીલ નાયકે શરૂ કરેલ ચાલો ગુજરાત એક સાંસ્કૃતિક બ્રાન્ડ તરીકે ઉભરી આવેલ છે, અને સાથેજ આ વર્ષે તેને વધુ મોટા ફલક પર 'ચાલો ઇન્ડિયા'ની નવી ઓળખ સાથે રજુ કરેલ છે.

નાસીક ઢોલના ધ્રિબાંગનાદ અને સંત શ્રી પરમાત્માનંદજીના આશીર્વચનો સાથે દીપ પ્રાગટય થયું. આ પ્રસંગે ભારતીય સમુદાયના અગ્રણીઓ સર્વશ્રી એચ. આર. શાહ (ટી. વી. એશિયા), શ્રી પદ્મશ્રી સુધીર  પરીખ (પરીખ વર્લ્ડવાઇડ મીડીયા), શ્રી સુધીર વૈષ્ણવ (સહારા ટી.વી.) શ્રી ડેની પટેલ (મોટેલિયર), શ્રી અતુલ શાહ, શ્રી પ્રફુલ્લ નાયક શ્રી પિયુષ પટેલ, કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટ, કવિ શ્રી તુષાર શુકલ, હિન્દી કવિ પૂર્વ શ્રી કુમાર વિશ્વાસ, કવિશ્રી સુરેન્દ્ર શર્મા, શ્રી પીટર કોઠારી, ગાંધીવાદી કાર્યકર શ્રી એસ. એન. સુબ્બારાવ, શ્રી અનિલ પટેલ, શ્રી અમિત જાની, શ્રી ભદ્ર બુટાલા, શ્રી હીરૂભાઇ પટેલ, ભારતના રાજકીય અગ્રણી  શ્રી દિલીપ સંઘાણી, ઉપરાંત અમેરિકાની સેનેટના સેનેટર (સાંસદ) શ્રી ફ્રેન્ક પલોન, વિગેરે અગ્રણીઓની ઉપસ્થિતી ઉલ્લેખનીય હતી. આઇના ટીમના સભ્યોની દક્ષિણ ભારતીય પરિવેશમાં ઉપસ્થિતી પણ નોંધપાત્ર હતી.

વિવિધ મનોરંજન કાર્યક્રમો, ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં ગીતો ધ્યાનાકર્ષક રહ્યાં. કવિ કુમાર વિશ્વાસે અનોખા રાજકીય અંદાજની કવિતાઓ સાથે રંગ દે બસંતી ચોલા, ગંગા મૈયાના ગીતો સાથે ઉપસ્થિત સમુદાયને ભાવવિભોર કર્યા હતાં. કવિ સુરેન્દ્ર શર્માએ પણ પોતાની વ્યંગ અને હાસ્ય કવિતાઓ સાથે સમુદાયને તરબતર કર્યા હતાં.

અનેક અગ્રણીઓએ વિવિધ કાર્યક્રમો દરમ્યાન પોતાનાં વકતવ્યો આપ્યાં હતાં, અને કાર્યક્રમને બિરદાવવા સાથે પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સેટેલાઇટ દ્વારા જીવંત પ્રસારણથી પોતાની શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાતની વિશેષતાઓનો ઉલ્લેખ કરી, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે વિદેશ સ્થિત ભારતીઓને વતન પરસ્તી માટે હાકલ કરી હતી. અખંડ ભારતની પરિકલ્પના વિદેશની ધરતી પર ઉજાગર કરાઇ રહી છે તે માટે શ્રી સુનિલ નાયક સહિત ભારતીય જનસમુદાયને તેમણે બિરદાવ્યો હતો.

કાર્યક્રમના અંતે લોકપ્રિય ગાયક શ્રી ઓસમાણ મીરના ગીતો સાથે ઉપસ્થિત સમુદાયમાંથી મહિલાઓએ નૃત્યો સાથે કાર્યક્રમને અંત સુધી માણ્યો હતો.

કાર્યક્રમનો પ્રથમ દિવસ સહુ કોઇને કાર્યક્રમો સાથે તરબતર કરી જ ગયો. ભોજનની પસંદગી પણ લોકોએ સુખડિયાના સ્વાદસભર ચટકા સાથે માણી. મુખ્ય કાર્યક્રમના સ્થળની બહાર વિવિધ બુથ અને એકઝીબિશન્સે પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. (તસ્વીર – ગુંજેશ દેસાઇ, TV Asia)

(2:00 pm IST)