મુખ્ય સમાચાર
News of Sunday, 1st August 2021

પાંચ વર્ષ આપણી સરકારના,સૌના સાથ– સૌના વિકાસના : એ કોઇ ઉજવણી નહીં અમારા જનસેવા કાર્યોનો સેવાયજ્ઞ છે, વિકાસની રાજનીતિને અમે વરેલા છીએ : મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી

તા. ૧ થી ૯ ઓગસ્ટ દરમિયાન ખેડૂત સમૃદ્ધિ, મહિલા સશક્તિકરણ, યુવા રોજગારી, આદિજાતિ વિકાસ, શિક્ષણ વ્યાપ વૃદ્ધિ અને અનેકવિધ સેવા કાર્ય પ્રકલ્પોની રાજ્યવ્યાપી શ્રૃંખલાનો જ્ઞાનશક્તિ દિવસથી પ્રારંભ કરાવતા મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી : ગુજરાતના દશેય દિશાના સર્વગ્રાહી વિકાસની ચિંતા અમે કરી છે : ૧૮ હજારથી વધુ સ્થળોએ ૧૫ હજાર કરોડથી વધુના વિકાસ કામો : ગુજરાત ‘‘એજ્યુકેશનલ હબ’’ તરીકે જ્ઞાનની સદીનું નેતૃત્વ કરવા સજ્જ : રાજ્યમાં ૩ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો તે જ શિક્ષણમાં કવોલિટી એજ્યુકેશનની સાર્થકતા છે

ગાંધીનગર : ‘પાંચ વર્ષ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરતાના''ની થીમના આધારે ''જ્ઞાન શક્તિ દિવસ'' અંતર્ગત મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી આજે રાજ્યભરમાં કુલ ૧૫૧ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્ય સરકારના સફળ શાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાની કોઇ ઉજવણી નહીં, પરંતુ જનસેવા કાર્યોનો સેવાયજ્ઞ આપણે આદર્યો છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ, સૌના વિકાસના અન્વયે રાજ્યમાં તા. ૧ થી ૯ ઓગસ્ટ સુધી ૧૮ હજાર જેટલા સ્થળોએ ૧૫ હજાર કરોડથી વધુના સેવાકીય કામો, યોજનાના લાભો લાખો લોકોને સામે ચાલીને સરકાર આપવાની છે.

મુખ્ય મંત્રીએ આ જન સેવાયજ્ઞ કાર્યક્રમો અન્વયે ‘જ્ઞાનશક્તિ દિવસ’માં શિક્ષણ સુવિધાઓના લોકાર્પણ-ખાતમુર્હૂત તેમજ સહાય વિતરણનો મહાત્મા મંદિર, ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્ય મંત્રીના અગ્ર સચિવ કૈલાસનાથન સહિત શિક્ષણ જગતના અગ્રણીઓ, લાભાર્થી યુવા છાત્રો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, કોઇપણ રાજ્ય રાષ્ટ્ર કે સમાજની પ્રગતિ, આર્થિક સામાજીક વિકાસ માટે શિક્ષણ જ આધારશીલા છે. સરકારે એટલા માટે જ શિક્ષણને પ્રથમ પ્રાથમિકતા આપીને રૂા.૩૧ હજાર કરોડ જેવું માતબર બજેટ ફાળવ્યું છે.

એટલું જ નહીં, ગુજરાતને વિકાસની નવી વૈશ્વિક ઊંચાઇએ લઇ જવા વિશ્વકક્ષાનું શિક્ષણ આપવાની અમારી પ્રતિબદ્ધતા છે. મુખ્ય મંત્રીએ રાજ્ય સરકારે શિક્ષણ સેવા યજ્ઞ સહિત યુવા રોજગારી, મહિલા સશક્તિકરણ, ખેડૂત સમૃદ્ધિ, આદિવાસી વિકાસ જેવા અનેક કાર્યક્રમોના આ જનસેવા યજ્ઞનો વિરોધ કરનારા તત્વોને સાફ શબ્દોમાં જણાવ્યું કે, આ વિકાસ યજ્ઞનો તમારો વિરોધ ગુજરાત વિરોધી – વિકાસ વિરોધી માનસિકતા છતિ કરે છે.

તેમણે કહ્યું કે, ‘‘ જનતા જર્નાદને તમને પણ સેવાની તક આપેલી ત્યારે તમે કાંઇ કરી ન શકયા અને હવે પ્રજાએ જાકારો આપ્યો ત્યારે વિકાસનો વિરોધ કરવા નીકળ્યા છો’’. મુખ્ય મંત્રીશ્રીએ આવા તત્વોને સ્પષ્ટ કહ્યું કે, ગુજરાતની જનતા હવે તમને ઓળખી ગઇ છે અને અમારા વિકાસ કામો, જનસુખાકારીના કાર્યક્રમોમાં તમારા વિરોધથી ભરમાવાની નથી.

મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્ય સરકારે પાંચ વર્ષમાં શિક્ષણ સુવિધા વૃદ્ધિના અનેક સફળ કાર્યો પાર પડયા છે. પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસનો જે પાયો નાખ્યો તેને આ સરકારે આગળ ધપાવીને સર્વગ્રાહી વિકાસની નેમ સાથે ઉત્તમ ગુજરાતને સર્વોત્તમ બનાવવાની દિશા લીધી છે.
તેમણે ઉમેર્યું કે, પાછલા પાંચ વર્ષમાં શિક્ષણમાં નવી ટેકનીક, મોર્ડનાઇઝેશન પર ભાર મુકીને કવોલિટી એજ્યુકેશન તથા શાળા સ્તરેથી જ વર્લ્ડકલાસ એજ્યુકેશન સુવિધા આપી છે. રાજ્યમાં ૧૬ હજાર જેટલા વર્ગખંડો સ્માર્ટ કલાસ બન્યા છે અને બ્લેક બોર્ડ નહીં પ્રોજેકશનથી શિક્ષણ અપાય છે. ૩૦,૫૦૦થી વધુ શાળાઓમાં ઇન્ટરનેટ કનેક્ટીવીટી પણ આપી છે.

વિજયભાઈ રૂપાણીએ આ બધા શિક્ષણ વિકાસ કામોનો વિરોધ કરનારા લોકોને સ્પષ્ટ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં ૩ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે તે જ શિક્ષણમાં ગુણવત્તા સુધારણાના સેવાયજ્ઞની ફલશ્રૃતિ છે.

મુખ્ય મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં સેકટરલ યુનિવર્સિટીઓની પહેલ કરીને ૧૧ યુનિવર્સિટીઓમાંથી ૭૭ યુનિવર્સિટી જેવી યુવાઓને વિશ્વ સમકક્ષ જ્ઞાન આપતી યુનિવર્સિટીઓ બનાવી છે.  તેમણે કહ્યું કે, આ સદી નોલેજ ઇકોનોમીની સદી છે અને ગુજરાત નોલેજ ઇકોનોમીને ડોમીનેટ કરવાનું છે એ વાત નિશ્ચિત છે.

  વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યું કે, હવે આપણે સ્કૂલ ઓફ એક્સલન્સ તરફ આગળ વધીને  બાળકો-યુવાઓનું બૌદ્ધિકસ્તર વધારવું છે. સાથોસાથ આપણી પ્રાચીન વિદ્યાપીઠ તક્ષશિલા, વલ્લભી નાલંદાની ગરિમા સ્થાપિત થાય તેવું શિક્ષણ વિદેશના છાત્રો પણ અહીં ગુજરાતમાં લેવા આવે તેવી સ્થિતિ સર્જવી છે.

મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને એજ્યુકેશનલ હબ બનાવવાની દિશામાં સરકારે અનેક નવતર આયામો, વિદ્યાર્થીઓની અભ્યાસ ગુણવત્તા, હાજરી મોનિટરીંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલસેન્ટર, આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ અને પ્રતિભાવંત હોનહાર છાત્રોને પી.એચ.ડી. માટે ‘શોધ’ અન્વયે આર્થિક સહાયની છણાવટ કરી હતી.

તેમણે રાજ્યના વિદ્યાર્થીઓને આંગળીના ટેરવે વિશ્વજ્ઞાન પુરૂં પાડવા ૩ લાખ જેટલા ન.મો. ટેબ્લેટ આપવામાં આવ્યા છે તેની પણ વિગતો આપી હતી.
મુખ્ય મંત્રીએ નવી શિક્ષણ નીતિની જે પહેલ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી છે તે આધુનિક અને સમયાનુકુલ શિક્ષણની નવિન તકો ખોલશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

તેમણે ઉમેર્યું કે, યુ.પી.એ.ની સરકારોએ શિક્ષણ નીતિનું કોઇ ઘડતર કર્યું નહીં પરંતુ પ્રધાન મંત્રી  નરેન્દ્રભાઈએ દેશનો યુવાન વિશ્વ સાથે સમકક્ષ બને તેવી નેમ સાથે નવી શિક્ષણ નીતિ બનાવી છે.

મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ જ્ઞાનની આ સદીમાં ગુજરાતના યુવાઓ, બાળકો, વિદ્યાર્થીઓ જ્ઞાનશક્તિના આધારે દેશમાં ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રાખે તેવા અનેક કાર્યક્રમો, યોજનાઓ સાથે સરકાર આવનારા વર્ષોમાં આગળ વધશે તેમ પણ આ અવસરે જણાવ્યું હતું.

રાજ્ય સરકારનાં પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્ય સરકારનો ભાગ હોવાનું ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલાં મુખ્યમંત્રી પદ સંભાળતી વખતે  વિજયભાઈ રૂપાણીએ રાજ્યની જનતાને નિર્ણાયક, સંવેદનશીલ, પારદર્શક અને પ્રગતિશીલ બનવાનાં ચાર વચન આપ્યાં હતાં. તેમના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે આ ચારેય વચન નિભાવ્યાં છે. એટલું જ નહીં, આજનો આ કાર્યક્રમ એ પાંચ વર્ષની ઉજવણી નથી, પરંતુ સરકારે જે કહ્યું હતું તેના કરતાં પણ વધારે કામગીરી કરી હોવાની વાત લોકો સમક્ષ લઈ જવાનો કાર્યક્રમ છે.

રાજ્ય સરકારની કામગીરીનો વિરોધ કરનારા વિપક્ષીઓનો ઉલ્લેખ કરીને ચુડાસમાએ કહ્યું કે તેમના જ સત્તાકાળમાં 'નો ડિટેન્ટશન પોલિસી' લાવીને બાળકના પાયાના શિક્ષણને કાચું રખાયું હતું. પરંતુ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે નવી એજ્યુકેશન પોલિસીમાં સુધારા કરીને વિદ્યાર્થીનું ફાઉન્ડેશન કાચું ન રહે તેના ઉપાય કરવામાં આવ્યા છે. આ માટે એકમ કસોટી, સત્રાંત પરીક્ષા અને બ્રિજ કોર્સના માધ્યમથી બાળકોનો પાયો પાકો કરાયો છે. એટલે જ, આજનો કાર્યક્રમ ખરા અર્થમાં જ્ઞાનશક્તિનું પર્વ છે.

રાજ્ય સરકારની છેલ્લાં પાંચ વર્ષની ઝલક આપતાં ચુડાસમાએ જણાવ્યું કે આજે ગુજરાત વીજળીમાં સરપ્લસ છે, અન્ન સલામતી કાયદા હેઠળ રાજ્યના ૩.૪૬ કરોડ લોકોને અનાજનું વિતરણ કરવામાં આવે છે, ધો. ૧ થી ૧૦ના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ આપવામાં આવે છે. આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજ્યનું કોઈ ગામ પીવાના પાણીથી વંચિત ન રહી જાય એ 'જલ સે નલ' યોજનાનું લક્ષ્ય છે. વ્હાલી દીકરી યોજના, નિયત આવકવાળા લોકો માટે આરોગ્યની સુવિધા આપતી મા યોજના, ગંગા સ્વરૂપા બહેનો અને વૃદ્ધો માટે સહાય આપનારું ગુજરાત એક માત્ર રાજ્ય છે. સગર્ભા અને ધાત્રી માતાને તેમના ઘરે રાશન પહોંચે એ તમામ જવાબદારી સરકારે નિભાવી છે.

આજે ગુજરાતની શાન સમાન વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીની શરૂઆતમાં અનેક વિરોધીઓએ ટીકા કરી, પણ દુનિયાએ તેની કદર કરી છે. આજે રોજ ૧૫ હજાર લોકો આ પ્રતિમાની મુલાકાતે આવે છે. અનેક લોકોને તેનાથી રોજગારી પણ મળી છે. છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્ય સરકારના કેન્દ્ર સાથેના સંબંધોના કારણે ગુજરાતને એઇમ્સ અને રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે. ધોલેરા સર, એક્સપ્રેસ-વે ઉપરાંત નાગરિકોનાં સુખ, શાંતિ અને સલામતી માટે ગુંડા એકટ, ગૌહત્યાનો કાયદો, ગોપાલન કરનારને સહાય આપવા સહિતના મહત્વના નિર્ણયો લેવાયા છે.

એક સમયે જ્યારે નાના ગામડામાં ખેડૂત જ્યારે રાત્રે પાણી વાળવા જાય, ત્યારે ખેતરે એ જાગે અને ઘરે તેની ચિંતામાં તેનો પરિવારે જાગવું પડતું. તેના સ્થાને આજે દિવસે વીજળી આપી, દિવસે કામ અને રાત્રે આરામ અપાવવાનું કામ આ સંવેદનશીલ સરકારે કર્યું છે. મુખ્યમંત્રીની સંવેદનશીલતાનું ઉદાહરણ આપતાં શિક્ષણમંત્રીએ કહ્યું કે વર્ષ ૨૦૧૭માં બનાસકાંઠામાં અતિવૃષ્ટિના સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમનો જન્મદિવસ પણ પૂરના સ્થળે અન્ય નાગરિકોની વચ્ચે રહીને જ ઉજવ્યો હતો. એટલું જ નહીં, વર્ષ ૨૦૧૭ની  અતિવૃષ્ટિ હોય, ૨૦૧૮નો ઓછા વરસાદ હોય, ૨૦૧૯નો કમોસમી વરસાદ અને ૨૦૨૦માં એમ ચાર વર્ષમાં કુલ રૂા. ૯,૫૫૨ કરોડની સહાય ખેડૂતોને કરવામાં આવી છે.

રાજ્ય સરકારની પારદર્શકતા અંગે વાત કરતાં  ચુડાસમાએ જણાવ્યું કે, ઓનલાઇન એનએ, ફેસલેસ એપોઇન્ટમેન્ટ સિસ્ટમ, કોઈ પણ ભરતી, બદલી કે બઢતીમાં ઓનલાઇન કામગીરી એ પારદર્શકતાનો પુરાવો છે. એટલું જ નહીં, કોરોનામાં સમયોચિત નિર્ણય લઈને સમીક્ષા, અવલોકન, આયોજન માત્ર ગુજરાતમાં થયું છે. આજે રાજ્યના કોઈ પણ સરકારી કર્મચારીનું મૃત્યુ કોરોનાના કારણે થાય, તો તેના માટે રાજ્ય સરકાર દ્વારા રૂા. ૨૫ લાખની સહાય, બાળકના માતાપિતા ન હોય તેને માસિક રૂા. ૪ હજારની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. રાજ્ય સરકારની આ સંવેદનશીલતામાંથી પ્રેરણા લઈને મુંબઈની સંસ્થા દ્વારા આવાં નિરાધાર બાળકોની ખાનગી શાળાની ફીની રૂા. ૫૦ હજાર સુધીની ફી ચૂકવવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

રાજ્યને કોરોનામુક્ત કરવા માટે ‘મારું ગામ, કોરોના મુક્ત ગામ’ની શરૂઆત કરવામાં આવી અને આજે પણ જો કોરોનાનું ત્રીજું વેવ આવે, તો તેના માટે આગોતરા આયોજનરૂપે રાજ્ય સરકાર દ્વારા બે મહિના પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું. તાઉતે વાવાઝોડામાં પણ રાજ્ય સરકારના નક્કર આયોજન થકી અનેક લોકોના જીવ બચાવી શકાયા અને જાનહાનિનો આંકડો ઘણો નીચો લાવી શકાયો.

શિક્ષણમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ખરેખર ભૂલ હોય, ત્યાં સરકારની ટીકા પણ જરૂરી છે, પરંતુ રાજ્ય સરકારની નિર્ણાયક અને સંવેદનશીલ કામગીરી છતાં વિરોધ કરનારાઓને ખરેખર શરમ આવવી જોઈએ. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે જે કંઈ કર્યું છે, તે પ્રજા માટે અને લોકોના હિતમાં કર્યું હોવાનું જણાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.

નવસારીના સાંસદ સી. આર. પાટીલે રાજય સરકારના સુશાસનના પાચ વર્ષની કામગીરીને બિરદાવી અભિનંદન આપતા કહ્યુ કે, દેશભરમા ગુજરાત એક માત્ર રાજય છે કે જે પાચ વર્ષની કામગીરીનો હિસાબ પ્રજાને આપવા માટે સતત નવ દિવસ સુધી શૃંખલા બંધ જનહિતકારી કાર્યક્રમો યોજે છે. આ કાર્યક્રમોનુ ગ્રીનીસ વર્લ્ડબુક મા સ્થાન મળવુ જોઈએ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

તેમણે મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણીને એડવાન્સમા જન્મદિન ની શુભેચ્છા પાઠવતા ઉમેર્યુ કે, રાજયમા શિક્ષણનો વ્યાપ વધે અને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહે એ માટે રાજય સરકારે ટેકનોલોજીયુકત ઈન્ફ્રાસ્ટ્રકચર નુ નિર્માણ કર્યુ છે જે દેશના કોઈ રાજયમા નથી. તેમણે કહ્યુ કે,બાળકોને વૈશ્વિક સ્તરનુ શિક્ષણ પૂરૂ પાડવા માટે સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. રાજયના સર્વાગી વિકાસ માટે શિક્ષણની ભૂમિકા અતિ મહત્વની છે એ માટે રાજયની સરકારી શાળાઓમા જે સુવિધાઓ પૂરી પાડી છે જેના પરિણામે વાલીઓ આજે ખાનગીશાળાઓ મા થી પોતાના બાળકોને સરકારી શાળામાં શિક્ષણ આપવા પ્રેરાયા છે એ માત્રને માત્ર રાજય સરકારની પરિણામલક્ષી કામગીરીને પરિણામે શકય બન્યુ છે.

તેમણે કહ્યુકે, રાજયની મહાનગરપાલિકાઓ, જિલ્લાપંચાયતો અને ગ્રામ્ય સ્તરે જે શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ છે એને વિસ્તારવા માટે આજે જ્ઞાનદિવસ અંતર્ગત રાજયભરમા અનેક માળખાગત સુવિધાઓના કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ થયા છે એ આવનાર સમયમા નવો રાહ ચીંધશે એવો મને દ્રઢ વિશ્વાસ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

'પાંચ વર્ષ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરતાના''ની થીમના આધારે ''જ્ઞાન શક્તિ દિવસ'' અંતર્ગત આજે ગાંધીનગર ખાતેથી રાજ્યભરમાં કુલ ૧૫૧ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત આજે મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૧૩૫ કરોડના ખર્ચે ૩૬૫૯ શાળાઓના તૈયાર થયેલા ૧૨ હજાર જેટલા સ્માર્ટ ક્લાસનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત રૂ. ૯૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧૦૫૦ શાળાના ઓરડાઓ, રૂ. ૧૦.૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૭૧ પંચાયત ઘર, રૂ. ૪.૮૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ધોળકા અને નવસારી તાલુકા પંચાયતના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જયારે રૂ. ૩૫ કરોડના ખર્ચે નિર્મિત ૨૫૬ માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબનો શુભારંભ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો.

શોધ યોજના અંતર્ગત ૧૦૦૦ પીએચ.ડી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ૨૦૦૮ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય વિતરણ તેમજ નમો ઈ-ટેબલેટ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી હેઠળ રાજ્યની ૧૬ કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે એમઓયુ કરવામાં આવ્યો. એટલું જ નહિ, રૂ. ૫૮ કરોડના ખર્ચે રાજ્યમાં વિવિધ ૬૪૭ શાળાના ઓરડાઓ, રૂ. ૨૦૭૬ કરોડના ખર્ચે ૧૪૪ પંચાયત ઘર નિર્માણ માટે પણ ખાતમુહર્ત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના અગ્રસચિવ કે. કૈલાસનાથન, મહેસૂલ - ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ વિભાગના સચિવ એસ. જે. હૈદર, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવ, ગાંધીનગર જિલ્લા કલેકટર ડૉ. કુલદીપ આર્યા, ગાંધીનગર મહાનગરપાલિકા કમિશનર ધવલ પટેલ સહિતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ, આચાર્યઓ, પ્રાધ્યાપકઓ તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(5:01 pm IST)