મુખ્ય સમાચાર
News of Sunday, 1st August 2021

ખેડૂતોના આંદોલનના કારણે અદાણી ગ્રુપે લોજિસ્ટિક્સ પાર્ક બંધ કરી દીધો

જાન્યુઆરીથી ખેડૂતો કિલા રાયપુર લોજિસ્ટિક્સ પાર્કના મુખ્ય દ્વાર પર ધરણા પર બેઠા હતા

નવી દિલ્હી : ખેડૂતોના આંદોલનને કારણે અદાણી ગ્રુપે કિલા રાયપુર, લુધિયાણામાં ઇનલેન્ડ કન્ટેનર ડેપો નું સંચાલન બંધ કરી દીધું છે. આ વર્ષે જાન્યુઆરીથી ખેડૂતો કિલા રાયપુર લોજિસ્ટિક્સ પાર્કના મુખ્ય દ્વાર પર ધરણા પર બેઠા હતા. આ કારણે લોજિસ્ટિક્સ પાર્કમાં કામ સંપૂર્ણપણે અટકી ગયું છે.ધરણા પર બેઠેલા ખેડૂતો લોજિસ્ટિક્સ પાર્કના કર્મચારીઓને પણ અંદર જવા દેતા ન હતા. ધરણામાંથી ખેડૂતોને હટાવવા અંગે મેનેજમેન્ટ દ્વારા પંજાબ સરકારને અનેક ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ કોઈ ફાયદો થયો નથી. આ પછી, મેનેજમેન્ટ વતી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટના આદેશ છતાં રાજ્ય સરકારના અધિકારીઓ ખેડૂતોની નાકાબંધી હટાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, લોજિસ્ટિક્સ પાર્ક બંધ થવાના કારણે 400 લોકો માટે પ્રત્યક્ષ, 1000 થી વધુ લોકો પરોક્ષ રીતે રોજગારીનું સંકટ સર્જાશે અને 700 કરોડની ટેક્સ આવકમાં નુકશાન થશે. આ સાથે જ પંજાબમાંથી નિકાસ પર પણ તેની વિપરીત અસર થવાની સંભાવના છે.અદાણી ગ્રુપ વતી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા સાત મહિનામાં કોઈ રાહત ન મળવાને કારણે તે વધુ નુકશાન ભોગવવાની સ્થિતિમાં નથી. અદાણી ગ્રુપે પંજાબમાં ઓદ્યોગિક માલસામાનની અવરજવરને સરળ બનાવવા માટે 2017 માં કિલા રાયપુરમાં તેની આઇસીડી શરૂ કરી હતી. આઇસીડી ની કામગીરી બંધ કરવા માટે જૂથે પ્રતીકાત્મક રીતે તેના સાઈનબોર્ડ પણ હટાવી દીધા છે

(12:51 am IST)