મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

વડાપ્રધાન રાજસ્થાનમાં ચાલી રહેલા તમાશાને રોકે : મુખ્યમંત્રી ગેહલોત

રાજસ્થાનમાં રાજકીય રમતનો અવિરત દોર : રાજ્યમાં હોર્સટ્રેડિંગનો ભાવ વધી ગયો હોવાનો આરોપ લગાવ્યો : ગેહલોત જૂથના ધારાસભ્યો જેસલમેરમાં

જયપુર, તા. : રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજસ્થાન સરકાર જયપુરથી જેસલમેર શિફ્ટ થઈ ગઈ છે. હોર્સ ટ્રેડિંગના જોખમને કારણે મુખ્યમંત્રી ગેહલોતે તેમના જૂથના ધારાસભ્યોને રાજધાની જયપુરથી ૫૭૦ કિમી દૂર જેસલમેરની સૂર્યગઢ પેલેસ હોટલમાં પહોંચાડી દીધા છે. ગેહલોતના ૧૫ મંત્રી અને ૭૩ ધારાસભ્યો સહિત કુલ ૮૮ ધારાસભ્ય શુક્રવારે શિફ્ટ થયા છે. ધારાસભ્યોની આજે જેસલમેર પહોંચવાની અને ગેહલતોના જયપુર પાછા આવવાની શક્યતા છે. મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું કે, વડાપ્રધાને રાજસ્થાનમાં ચાલી રહેલા તમાશાને રોકવો જોઈએ, હોર્સ ટ્રેડિંગના ભાવ વધી ગયા છે.ગેહલોતે કેન્દ્રીય મંત્રી અને જોધપુર સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવત પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે, સંજીવની કો-ઓપરેટિવ સોસાયટીના કૌભાંડમાં શેખાવતનું નામ આવી ચુક્યું છે. કોર્ટે પણ તપાસ માટે આદેશ આપ્યા છે. એવામાં શેખાવતે નૈતિક આધારે રાજીનામું આપી દેવું જોઈએ.

ગેહલોતના મંત્રીઓ સહિત ૧૪ ધારાસભ્ય હાલ બહાર છે. જેમાં બિમાર 3 MLA- પરસરામ મોરદિયા, માસ્ટર ભંવરલાલ મેઘવાલ અને બાબૂલાલ બૈરવા છે. મંત્રીઓ, બિમાર ધારાસભ્યો અને સ્પીકરને બાદ કરતા ગેહલોત જૂથના બાકીના ધારાસભ્યો આજે જેસલમેર પહોંચે તેવી શક્યતા છે. વિધાનસભા સત્ર ૧૪ ઓગસ્ટે શરૂ થશે. ત્યા સુધી ધારાસભ્યોના જેસલમેરમાં રહેવાની આશા છે.

(7:46 pm IST)