મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

પંજાબમાં લઠ્ઠાકાંડ : ઝેરી દારૂ પીવાથી 38 લોકોનાં મોત: એક મહિલા સહિત 8 આરોપીની ધરપકડ

તરણ તારણ જિલ્લામાં 19 લોકો, અમૃતસરમાં 10 અને બટાલામાં 9 લોકોનાં મોત

પંજાબના ત્રણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ઝેરી દારૂ પીવાથી 38 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અધિકારીઓએ જણાવ્યું કે ઝેરી દારૂ પીધા પછી બુધવારની રાતથી તરણ તારણ જિલ્લામાં 19 લોકો, અમૃતસરમાં 10 અને બટાલામાં 9 લોકોનાં મોત થયાં છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ દારૂ અમૃતસરના મુછાલ ગામે બનાવવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ત્રણ જિલ્લામાં 40 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને દારૂની દાણચોરી કરનારા આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે અમૃતસરના તરસિક્કાના મુછાલ અને ટાંગરા ગામમાં બુધવારે રાત્રે પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં. બટલાના લોકોના જણાવ્યા મુજબ આ દારૂ હાથીગટ વિસ્તારમાં વેચાયો હતો. દારૂ પીવાથી મરી ગયેલા ભૂપેન્દરસિંહની માતા શીલા દેવીએ જણાવ્યું હતું કે તેના પુત્રએ હાથીગેટ વિસ્તારની એક દુકાનમાંથી દારૂ ખરીદ્યો હતો. દારૂ પીધાના થોડા કલાકો બાદ તે બેભાન થઈ ગયો અને તેનું મોત નીપજ્યું.

મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે આ ઘટનાની મેજિસ્ટ્રેલ તપાસના આદેશ આપ્યા છે. વિપક્ષ શિરોમણી અકાલી દળે પણ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ દ્વારા ન્યાયિક તપાસની માંગ કરી છે, જ્યારે વિપક્ષ આપ એ મુખ્ય પ્રધાન અમરિંદર સિંહનું રાજીનામું માંગ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે તારસિક્કા પોલીસ સ્ટેશનના પ્રભારી વિક્રમજિત સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડીજીપીએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે મુછાલ ગામની બલવિંદર કૌર નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આઈપીસીના એક્સાઇઝ એક્ટની સંબંધિત કલમો તેમના પર લાદવામાં આવી છે.

શુક્રવારે આ અભિયાન દરમિયાન અમૃતસર, બટાલા અને તરણ તારણ જિલ્લામાં નકલી દારૂના મામલે વધુ સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગુપ્તાએ જણાવ્યું કે આરોપીઓ પાસેથી મોટી માત્રામાં બનાવટી દારૂ, ડ્રમ અને સંગ્રહિત કેન મળી આવ્યા છે અને તેઓને તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે ઝેરી દારૂ પીધાના આક્ષેપથી મૃત્યુના મામલામાં જલંધરના વિભાગીય કમિશનર દ્વારા મેજિસ્ટ્રેલ તપાસનો આદેશ આપ્યો છે.

(12:16 pm IST)