મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

રેડીમેડ ગારમેન્ટ ઉત્પાદકોની આવકમાં ૨૫થી ૩૦ ટકા ઘટાડો થવા સંભવ

લોકડાઉન તથા માગમાં ઘટાડાને કારણે આવક પર અસર

મુંબઈ, તા. ૧ : વર્તમાન નાણાં વર્ષમાં રેડીમેડ ગારમેન્ટ ઉત્પાદકોની આવકમાં ૨૫થી ૩૦ ટકા ઘટાડો જોવા મળી શકે છે. લોકડાઉન તથા માગમાં ઘટાડાને કારણે આવક પર અસર જોવાઈ રહી છે એમ ક્રિસિલના એક રિપોર્ટમાં જણાવાયું છે.

ઘરઆંગણે તથા નિકાસ બજારમાં ગારમેન્ટ માટેની માગમાં જોરદાર ઘટાડો નોંધાતા ગારમેન્ટ ઉત્પાદકોની આવકમાં ૨૫થી ૩૦ ટકા ઘટાડો થશે. અમેરિકા તથા યુરોપની બજારોમાં વધુ પડતા ખર્ચ પર કાપને કારણે નિકાસ પર અસર પડશે. ભારતની રેડીંમેડ ગારમેન્ટની કુલ નિકાસમાંથી ૬૦ ટકા નિકાસ અમેરિકા તથા યુરોપ ખાતે થાય છે. ઊંચી ઈન્વેન્ટરી તથા પેમેન્ટસ મળવામાં ઢીલને કારણે ગારમેન્ટ ઉત્પાદકોની વર્કિંગ કેપિટલ સાઈકલ લાંબી ચાલે છે, આને કારણે તેમની ક્રેડિટ પ્રોફાઈલ બગડી શકે છે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. કોરોનાવાઈરસના ફેલાવા તથા લોકડાઉનને કારણે ગયા નાણાં વર્ષના અંતે ઉત્પાદકો પાસે ઈન્વેન્ટરીનું સ્તર ૨૦થી ૨૫ ટકા ઊંચુ રહ્યું હતું. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં માગ મંદ રહેતા ઈન્વેન્ટરીસ ઊંચી રહેશે જેનાથી નિકાસકારોની ચિંતામાં વધારો થશે.

છેલ્લા પાંચ નાણાં વર્ષથી રેડીમેડ ગારમેન્ટ ઉત્પાદકોનો વિકાસ દર ઘરેલું માગને કારણે વધ્યો હતો, જયારે નિકાસ માગ સ્થિર રહી હતી. કપાસના નીચા ભાવ તથા ખર્ચ પર કાપના પગલાં છતાં ઉત્પાદકોના માર્જિનમાં અઢીથી ત્રણ ટકાનો ઘટાડો જોવા મળશે.

માર્જિનમાં ઘટાડાને કારણે ઉત્પાદકો પાસે લોન્સના નાણાંની ચૂકવણી કરવા પૂરતો કેશ ફલોસ નહીં રહે, એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. જો કે હાલમાં લાગુ કરાયેલા મોરેટોરિઅમને કારણે તેમને થોડી ઘણી રાહત મળી છે ખરી.

માગ વધવા સાથે વર્તમાન નાણાં વર્ષના પાછલા ૬ મહિનામાં કેશ ફલોસમાં વધારો થવાની ધારણાં રખાઈ રહી છે.

(10:29 am IST)