મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

મુંબઇ વેપારીઓની બેઠી છે માઠી દશા : વેપાર ૮૫ ટકા ઘટી ગયા

મુંબઈ, તા. ૧ : કોરોના મહામારીને પગલે થયેલા લોકડાઉનના કારણે શહેરના વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મૂકાયા છે. રિટેલ વેપારીઓનાં વેપાર લગભગ ૮૫ ટકા જેટલા ઘટી ગયા છે ત્યારે તેમણે સરકાર સમક્ષ કેટલીક રાહતોની માગણી કરી છે.

ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલફેર એસોસિયેશનના પ્રમુખ વિરેન શાહે જણાવ્યું હતું કે અમે દુકાનો સપ્તાહનાં સાતે દિવસ અને રોજ સવારે ૯થી સાંજે ૭ વાગ્યા સુધી ખુલી રાખવા દેવાની માગણી કરી છે.

હાલ ઓડ-ઈવન તારીખ પ્રમાણે દુકાનો મહિનામાં માત્ર ૧૨ દિવસ ખોલી શકાય છે. તેનાથી વેપારીઓનાં ખર્ચ કેવી રીતે નીકળી શકે?

તેમણે કહ્યું હતું કે હાલ માત્ર જરૂરી ચીજો જ વેંચાય છે. લકઝરી ચીજો વેંચાતી નથી. લોકલ ટ્રેનો બંધ છે. તહેવારો, સમારોહ, ગેધરીંગ બધુ બંધ છે. પરિણામે રિટેલ વેપારોને જંગી અસર થઈ છે. ૮૫ ટકા વેપાર ઘટી ગયા છે.

બીજી તરફ લગભગ ૯૦ ટકા દુકાન માલિકોએ ભાડાંમાં ૨૫ થી ૩૦ ટકા ઘટાડો કરી દીધો છે. જેનાથી દુકાનદારોને રાહત થઈ છે.

પાંચમી ઓગસ્ટથી રોજ બધી દુકાનો ખોલવાની મંજૂરી મળશે એવી આશા રાખીએ છીએ.

ઘણા વેપારીઓ દિવાળી પછી ધંધા સંકેલી લેશે

છૂટક વેપારીઓ તેમનાં ધંધા સમેટવા માગે છે

 છૂટક વેપારીઓ તેમનાં ધંધા સમેટવા માગે છે. કારણ કે તેમને ઓનલાઈન સામે ટક્કર આપવાની છે. માર્જિન તદ્દન ઘટી ગયા છે. ગ્રાહકો વસ્તુ ચેક કરવા દુકાને આવે છે અને પછી ઓનલાઈન વસ્તુ મંગાવે છે.

બાબુભાઈએ કહ્યું હતું કે દુકાનદારોને દુકાનનું ભાડું, લાઈટબિલ, માણસોના પગાર, ચા-પાણી ખર્ચ, લાઈસન્સ ફી અન્ય ખર્ચ ઉપરાંત કરવેરા ભર્યા પછી કમાણી પર ૩૦ ટકા આવકવેરો ભરવો પડે છે પછી તેના હાથમાં બચે શું? વેપાર-ધંધાની જગ્યા લઈને બેઠેલા વેપારીને નહીં વેંચાયેલા માલને કારણે પણ નુકસાની થાય છે.

પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાને કારણે અને સમયના અભાવે ગ્રાહકો બજારમાંથી ખરીદી કરવાનું ટાળે છે અને હવે ઓનલાઈન પર પસંદગી ઉતારવા લાગ્યા છે.

તેમણે કહ્યું હતું કે ઘણા વેપારીઓ આવતી દિવાળીની કમાણી કરીને તરત દુકાનો કે શો રૂમ વેચવાના મૂડમાં જણાય છે આથી દિવાળી પછી દુકાનોના ભાવમાં ઘટાડો થવાનાં એંધાણ વર્તાય છે કારણ કે વેપારમાં થતું નુકસાન તેઓ ભરપાઈ કરી શકે એમ નથી. દરમિયાન ફેડરેશન ઓફ એસોસિયેશન ઓફ મહારાષ્ટ્રે (ફામ) બધી દુકાનો સપ્તાહનાં સાતે દિવસ ખુલ્લી રાખવા દેવામાં માગણી કરી છે.

'ફામ'ના પ્રમુખ વિનેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે રિટેલ, સેમી હોલસેલ અને હોલસેલ વેપારીઓ માટે વિશેષ પેકેજ વહેલી તકે ઘોષિત કરવાની પણ અમે માગણી કરી છે.

'ફામ'નું પ્રતિનિધિમંડળ ગુરુવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારને મળ્યું હતું અને વેપારીઓની સમસ્યાઓની રજુઆત કરી હતી.

(10:28 am IST)