મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

પેંગોંગના લેક વિસ્તારમાં ચીનનો હજુ પણ અડિંગો

આ વિસ્તારમાં નવેસરથી કેમ્પ બનાવ્યા

નવી દિલ્હી, તા. ૩૧ : ગલવાન ખીણમાં લોહિયાળ સંઘર્ષ બાદ સરહદ પરથી પોતાની સેના પાછળ હટાવવા માટે ચીન ભારત સાથે જે મંત્રણા કરી રહ્યું છે તે માત્ર ડોળ હોવાનું દેખાય રહ્યું છે. અહેવાલો પ્રમાણે પેંગોંગ લેકની આસપાસ ચીન પોતાનો લશ્કરી જમાવડો વધારી રહ્યું છે. ૧૪ જુલાઈએ વાટાઘાટો બાદ પણ ચીને પોતાની વધારાની પેટ્રોલ બોટ અને સેનાની ટુકડીઓ આ વિસ્તારમાં તૈનાત કરી દીધી છે.

પેંગોંગ લેકની આસપાસ ચીને નવા કેમ્પ બનાવવાના શરુ કરી દીધા છે.ચીનની હિલચાલ સેટેલાઈટની તસવીરોમાં કેદ થઈ છે.એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે ચીનની લશ્કરી બોટો ફિંગર પાંચ અને ફિંગર ૬ વિસ્તારમાં ડેરો નાંખીને પડી છે.આવી લગભગ ૧૦ બોટ જોવા મળી છે.જેમાં દરેકમાં ૧૦ જવાનો સવાલ થયેલા જોવા મળે છે. આ પહેલાં જે સેટેલાઈટ ઈમેજ હતી તેમાં ૮ બોટ જોવા મળી હતી. જે હવે વધીને ૧૦ થઈ છે.ફિંગર પાંચ વિસ્તારમાં લગભગ ૪૦ જેટલા કેમ્પ પણ જોવા મળી રહ્યા છે. સેટેલાઈટ તસવીરોથી સ્પષ્ટ છે કે, ચીન આ વિસ્તારમાંથી પાછળ ખસવાના મૂડમાં નથી.ઉલટાનુ પોતાની તાકાત વધારી રહ્યુ છે.

(12:00 am IST)