મુખ્ય સમાચાર
News of Friday, 1st July 2022

FIR પછી પણ નૂપુર શર્માની ધરપકડ કેમ ન થઈ? સુપ્રીમ કોર્ટે દિલ્‍હી પોલીસ પર સવાલ ઉઠાવ્‍યા છે

હવે નૂપૂર શર્મા પર ધરપકડની તલવાર લટકી રહી છે

નવી દિલ્‍હી, તા.૧: નુપુર શર્માને ફટકાર લગાવતા આજે સુપ્રીમ કોર્ટે દિલ્‍હી પોલીસ પર પણ સવાલ ઉઠાવ્‍યા છે. સુપ્રીમ કોર્ટે ત્‍યાં સુધી કહ્યું કે અનેક FIR હોવા છતાં દિલ્‍હી પોલીસ નુપુર શર્માને સ્‍પર્શ પણ કરી શકી નથી. આ નુપુરનો પ્રભાવ (રાજકીય પ્રભાવ) સમજાવે છે.
નુપુર શર્મા વિરુદ્ધ દેશના અલગ-અલગ રાજ્‍યોમાં ફરિયાદો નોંધાઈ હતી. નૂપુરે આ તમામ અરજીઓને દિલ્‍હી ટ્રાન્‍સફર કરવાની વિનંતી કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને તેણીને હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું. હવે નૂપુર પર ધરપકડની તલવાર લટકી રહી છે.
સુપ્રીમ કોર્ટે દિલ્‍હી પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્‍યા છે. કોર્ટે પૂછયું કે નુપુર શર્મા વિરુદ્ધ ફરિયાદ દાખલ થયા બાદ દિલ્‍હી પોલીસે શું કાર્યવાહી કરી? કોર્ટે કહ્યું, તેણી (નુપુર)ની ફરિયાદ બાદ એક વ્‍યક્‍તિની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ઘણી એફઆઈઆર હોવા છતાં દિલ્‍હી પોલીસે તેમને હાથ પણ લગાવ્‍યો ન હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્‍યારે તમે કોઈની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો છો ત્‍યારે તે વ્‍યક્‍તિની ધરપકડ કરવામાં આવે છે. પરંતુ કોઈએ તમને સ્‍પર્શ કરવાની હિંમત ન કરી જે તમારો પ્રભાવ દર્શાવે છે.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે નુપુર શર્મા એક પક્ષની પ્રવક્‍તા છે, તેથી સત્તાનો નશો તેના મગજમાં પહોંચી ગયો છે.
જ્‍યારે નૂપુરના વકીલ કોર્ટને કહેવા માંગતા હતા કે તે ભાગી રહી નથી અને તપાસમાં સહયોગ કરી રહી છે. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમારા (નુપુર) માટે રેડ કાર્પેટ હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે વધુમાં નુપુર શર્માના વકીલને હાઈકોર્ટમાં જવા સૂચન કર્યું હતું.
જણાવી દઈએ કે નુપુર વિરુદ્ધ દિલ્‍હીમાં જ કેસ નોંધવામાં આવ્‍યો નથી, પરંતુ દેશના ઘણા ભાગોમાં આ મામલે કેસ નોંધાયેલા છે, પરંતુ એવી કઈ મજબૂરી છે કે કોઈ પોલીસ નુપુર સુધી પહોંચી શકી નથી? આ અંગે દિલ્‍હી પોલીસના ડીસીપી પીએસ મલ્‍હોત્રાએ તાજેતરમાં કહ્યું હતું કે ટૂંક સમયમાં નુપુરને નોટિસ આપવામાં આવશે.
ઉશ્‍કેરણીજનક નિવેદનોના મામલામાં દિલ્‍હી પોલીસે તેની સામે કેસ નોંધ્‍યો હતો. દિલ્‍હીમાં જેમની સામે કેસ નોંધવામાં આવ્‍યો છે તેમાં નુપુર શર્મા, નવીન જિંદાલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્‌તી નદીમ, અબ્‍દુલ રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીના અને પૂજા શકુનનો સમાવેશ થાય છે.
દિલ્‍હીની વાત કરીએ તો અહીં પોલીસે નૂપુર શર્મા વિરુદ્ધ આઈપીસીની કલમ ૧૫૩, ૨૯૫, ૫૦૫ હેઠળ કેસ નોંધ્‍યો હતો. આમાં તેના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો, નફરત ફેલાવવાનો અને અન્‍ય ધર્મો વિરુદ્ધ ટિપ્‍પણી કરવાનો આરોપ લગાવવામાં આવ્‍યો છે.
નુપુરને હજુ સુધી કોઈ નોટિસ આપવામાં આવી નથી. દિલ્‍હી પોલીસની એફઆઈઆર તેની સામે પ્રથમ કેસ નથી. તેની સામે મહારાષ્‍ટ્ર અને કોલકાતામાં પણ કેસ નોંધાયેલા છે. તે જ સમયે, નૂપુર વિરુદ્ધ કોલકાતાના ૧૦ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં હજુ સુધી અન્‍ય કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.
પ્રોફેટ મોહમ્‍મદ વિશે નુપુર શર્માની ટિપ્‍પણી પર SCએ નારાજગી વ્‍યક્‍ત કરી હતી. નુપુરની ટ્રાન્‍સફર અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેમની ટિપ્‍પણીથી દેશભરના લોકોની ભાવનાઓ ભડકી છે. આજે દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેના માટે તે જ જવાબદાર છે.

 

(4:05 pm IST)