મુખ્ય સમાચાર
News of Thursday, 1st July 2021

ભાગેડુ નીરવ મોદીની બહેન પૂર્વીએ તેના બ્રિટનનાં બેંક ખાતામાં પડેલા રૂ. 17.25 કરોડ ભારત સરકારને મોકલ્યા

પૂર્વી મોદીને સંપૂર્ણ અને સાચી જાહેરાતની શરતોને આધારે માફી: બ્રિટનના બેંક ખાતામાંથી 23,16,889.03 ડોલરની રકમ ભારતમાં જમા કરાવી

નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંક કૌભાંડ કેસમાં નીરવ મોદીની બહેન અને સરકારી સાક્ષી પૂર્વીએ તેના બ્રિટનનાં બેંક ખાતામાં પડેલા રૂ. 17.25 કરોડ ભારત સરકારને મોકલ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ માહિતી આપી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કહ્યું કે ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીની બહેને બ્રિટનના બેંક ખાતામાંથી ભારત સરકારને 17.25 કરોડ રૂપિયા મોકલ્યા છે. પંજાબ નેશનલ બેંકથી લોન છેતરપિંડીના કેસમાં મદદના બદલામાં કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવી હતી.

EDએ નિવેદનમાં જણાવ્યું કે 24 જૂને પૂર્વી મોદીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને જાણ કરી કે તેમને લંડન, બ્રિટનમાં તેમના નામે બેંક ખાતા અંગેની જાણ થઇ છે, જે તેમના ભાઇ નીરવ મોદીના કહેવા પર ખોલવામાં આવું હતું અને તે પૈસા તેમના નથી.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વી મોદીને સંપૂર્ણ અને સાચી જાહેરાતની શરતોને આધારે માફી આપવામાં આવી હોવાથી, તેમણે બ્રિટનના બેંક ખાતામાંથી 23,16,889.03 ડોલરની રકમ ભારત સરકાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના બેંક ખાતામાં જમા કરાવી દીધી છે.

નિવેદન અનુસાર, પૂર્વી મોદીના આ સહયોગથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ લગભગ 17.25 કરોડ રૂપિયા (23,16,889.03 ડોલર) પાછા મેળવી શક્યું છે. નીરવ મોદી હાલમાં બ્રિટનની જેલમાં છે અને ભારત પ્રત્યાર્પણ માટેની તેમની અરજી નામંજૂર કરવામાં આવી છે. નીરવ મોદી મુંબઇની પંજાબ નેશનલ બેંકની બ્રાંચમાંથી બે અબજ ડોલરની લોનની છેતરપિંડીનાં કેસમાં વોન્ટેડ છે.

(10:41 pm IST)