મુખ્ય સમાચાર
News of Thursday, 1st July 2021

કોલ રેકોર્ડિંગ કરીને ગૂગલના કર્મચારીઓ પણ સાંભળી શકે વાતચીત: સંસદીય સમિતિ સમક્ષ ગૂગલની કબૂલાત

' ઓકે ગુગલ ' કહેતા જ કંપની સુધી પહોંચે છે અંગત જાણકારી: યુઝર્સ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટનો ઉપયોગ ન કરી રહ્યા હોય ત્યારે પણ તેમની વાતચીતને રેકોર્ડ કરાઈ છે

નવી દિલ્હી : ડેટા ગોપનીયતા અને સુરક્ષા સાથે સંકળાયેલી એક મીટિંગમાં ગૂગલ તરફથી મોટું  નિવેદન સામે આવ્યું છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે 'ઓકે ગૂગલ' કરીને જ્યારે ગૂગલ આસિસ્ટન્ટને કશુંક પુછવામાં આવે છે કે કોઈ વાત કરવામાં આવે છે તે રેકોર્ડિંગ ગૂગલના કર્મચારીઓ પણ સાંભળી શકે છે. ગૂગલ તરફથી આ જાણકારી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પર સંસદીય સ્થાયી સમિતિને આપવામાં આવી છે. 

શશિ થરૂરની અધ્યક્ષતાવાળી કમિટીએ તેને ઉપયોગકર્તાની ગોપનીયતાનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે. કમિટી આ મુદ્દે ટૂંક સમયમાં જ રિપોર્ટ તૈયાર કરીને સરકારને આગળના કેટલાક સૂચનો આપશે. પેનલના સૂત્રોએ જણાવ્યું કે, ગૂગલે સ્વીકાર્યું છે કે, જ્યારે યુઝર્સ ગૂગલ આસિસ્ટન્ટ શરૂ કરીને 'ઓકે, ગૂગલ' બોલીને વાત કરે છે તેને તેમના કર્મચારીઓ સાંભળી શકે છે. 

 અત્રે ઉલ્લેખનીય છે કે, 2019માં ગૂગલ પ્રોડક્ટ મેનેજર (સર્ચ) ડેવિડ મોનસીએ એક બ્લોગમાં પણ આ વાત સ્વીકારી હતી કે, તેમના ભાષા એક્સપર્ટ રેકોર્ડિંગ સાંભળે છે જેથી ગૂગલ સ્પીચ સર્વિસને વધુ સારી બનાવી શકાય. 

મીટિંગમાં ઝારખંડના બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ ગૂગલને આ સાથે સંકળાયેલો સવાલ કર્યો હતો. તેના જવાબમાં ગૂગલની ટીમે સ્વીકાર્યું હતું કે, કોઈક વખત જ્યારે યુઝર્સ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટનો ઉપયોગ ન કરી રહ્યા હોય ત્યારે પણ તેમની વાતચીતને રેકોર્ડ કરવામાં આવે છે. 

ગૂગલે આગળ સ્પષ્ટતા કરી હતી કે, સંવેદનશીલ જાણકારી અહીં નથી સાંભળવામાં આવતી પરંતુ ફક્ત સામાન્ય વાતચીત રેકોર્ડ કરવામાં આવે છે. જોકે આ બંને વચ્ચેનો તફાવત કઈ રીતે નક્કી કરવામાં આવે છે તે ગૂગલે સ્પષ્ટ નહોતું કર્યું. 

મીટિંગમાં ઉપસ્થિત સદસ્યોએ આ મુદ્દે ગૂગલને ઘેરી લીધું હતું. એક વ્યક્તિએ જણાવ્યું કે, ગૂગલના નિવેદન બાદ સમજાય છે કે, ગૂગલ આસિસ્ટન્ટ પર હોટેલ વગેરે અંગે પુછ્યા બાદ કેમ લાખો યુઝર્સને ડીલ્સ અને ઓફર્સના મેસેજ આવવા લાગે છે. અન્ય એક સદસ્યએ જણાવ્યું કે, પોતાની શરતોમાં ગૂગલ એમ તો કહે છે કે, ગૂગલ સ્માર્ટ સ્પીકર્સ તથા ગૂગલ આસિસ્ટન્ટ સાથેની વાતચીત રેકોર્ડ કરવામાં આવે છે. પરંતુ એવું નહોતું કહેવામાં આવ્યું કે, એ રેકોર્ડિંગ્સ તેમના કર્મચારીઓ સાંભળી પણ શકે છે. 

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના સીનિયર અધિકારીએ જણાવ્યું કે, સરકાર આ અંગે ધ્યાન આપી રહી છે કે, ગૂગલ જેવી કંપની જમા ડેટા ડીલિટ નથી કરતી જ્યાં સુધી યુઝર પોતે તેને ડીલિટ ન કરે.

(12:28 am IST)