મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

૭ રાજ્‍યોમાં ખેડૂતોની હડતાલઃ રસ્‍તાઓ પર ફેંક્‍યા શાકભાજી, દૂધ સપ્‍લાય પણ અટકાવ્‍યો

નવી દિલ્‍હી તા. ૧ : પંજાબ અને મધ્‍યપ્રદેશ સહિત દેશના સાત રાજયોમાં ખેડૂતોએ પહેલી જૂનથી એટલેકે આજથી  આંદોલન શરુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂત યૂનિયન દ્વારા તેમની માગણીઓને લઈને કેન્‍દ્ર સરકાર વિરુદ્ધ ૧૦ દિવસના આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ મધ્‍યપ્રદેશમાં મંદસૌરના ખેડૂતોએ શાકભાજી અને દૂધ શહેરની બહાર નહીં મોકલવાની જાહેરાત કરી છે. ખેડૂતોનું  આંદોલન સરકાર દ્વારા ટેકાના લઘુત્તમ ભાવની ચુકવણી કરવાનું વચન જલદી પૂર્ણ કરવા માટે છે.પુણેના ખેડશિવાપુર ટોલ પ્‍લાઝા પર ખેડૂતોએ ૪૦ હજાર લીટર દૂધ રસ્‍તા પર ઢોળ્‍યું હતું.

*  મધ્‍યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતોએ આંદોલન શરુ કરતાં પહેલાં મંદિરે જઈને દૂધથી ભગવાનનો અભિષેક કર્યો હતો.

*  રાષ્ટ્રીય કિસાન મહાસંઘે ૧૩૦ સંગઠનો સાથે મળીને વિરોધ પ્રદર્શન અને હડતાળનું એલાન કર્યું છે.

*  ઝબુઆમાં ધારા ૧૪૪ લાગુ કરવામાં આવી છે. અને ખેડૂતોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.

*  આગરામાં ખેડૂતોએ તેમના વાહનોના ટોલ ફ્રી આવાગમન માટે ખેડૂતોએ ટોલ પ્‍લાઝા પર કબજો કર્યો અને તોડફોડ પણ કરી.

*  ખેડૂતો સરકાર દ્વારા કરવામાં આવેલા લઘુતમ ટેકાના ભાવની ચુકવણીના વચનનું જલદી પાલન કરવા માટે આંદોલન કરી રહ્યાં છે.

*  મંદસૌર શહેરમાં સઘન પોલીસ બંદોબસ્‍ત તૈનાત કરવામાં આવ્‍યો છે, જેથી ખેડૂતો આંદોલન દરમિયાન કોઈ અશાંતિ ઉભી ન કરે.

*  જો કે પંજાબના ખેડૂતોનો એક સમુદાય આ વિરોધમાં જોડાયો નથી. વધુમાં કેટલાક ખેડૂતોએ આંદોલનથી વિપરિત જઈને ચંદીગઢના કેટલાક વિસ્‍તારોમાં દૂધની સપ્‍લાઈ પણ યથાવત રાખી હતી.

(4:19 pm IST)