મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

પેટાચૂંટણી : ભાજપની બેઠકો જ નહી વોટ શેર પણ ઘટયા

પેટાચૂંટણીમાં વાગી ખતરાની ઘંટડી

નવી દિલ્હી તા. ૧ : દેશમાં ચાર લોકસભા અને ૧૦ વિધાનસભા બેઠકો માટે થયેલી ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. જો કર્ણાટકની આરઆર નગર વિધાનસભા જોડી દેવામાં આવે તો સ્કોર ૩-૧૨ થાય છે. ભાજપ માટે ચિંતાની સૌથી મોટી વાત એ છે કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પછી ૨૭ લોકસભા બેઠકો પર પેટાચૂંટણણી થઈ જેમાંથી ભાજપે ૨૪ પર ચૂંટણી લડી જેમાંથી માત્ર ૫ બેઠકો પર જીત થઈ. માત્ર બેઠકો જ નહીં ભાજપના વોટ શેરમાં પણ ઘટાડો થયો છે.

સૌથી પહેલા નજર યુપીની ચર્ચિત લોકસભા બેઠક કૈરાના પર કરીએ તો ૨૦૧૪માં ભાજપના સાંસદ હુકુમસિંહે અહીં ૫૦.૬ ટકા મત મળ્યા હતા. હુકુમસિંહના નિધન પછી અહીં પેટાચૂંટણી થઈ અને ભાજપની મૃગાંકા સિંહને આરએલડીની તબસ્સુમે હરાવ્યા. જો ભાજપ પાછલી ચૂંટણીમાં મળેલા મત યાથવત રાખતી તો જીત થઈ શકી હોત. પરંતું ગોરખપુર અને ફૂલપુર પછી અહીં પણણ ભાજપને વિપક્ષે એક થઈને પરાસ્ત કર્યું. આ વખતે ભાજપને અહીં માત્ર ૪૬.૫ ટકા મત મળ્યા.

કંઈક આવો ખેલ મહારાષ્ટ્રની બે લોકસભા બેઠકોમાં જોવા મળ્યો. પાછલી ચૂંટણીની સરખામણીમાં પાલઘરમાં ૯ ટકા અને ગોંદિયા-ભંડારામાં ૨૩ ટકા મત ઓછા મળ્યા. જોકે, ૨૦૧૪માં શિવસેના તેની પાર્ટનર હતી. આશ્ચર્યની વાત એ છે કે, ૨૦૧૪ લોકસભા પેટાચૂંટણી કરતા ગોંદિયા-ભંડારામાં કોંગ્રેસ-એનસીપી એલાયન્સના વોટ શેરમાં ૮ ટકાનો વધારો થયો છે. પાલઘરમાં આ ગઠબંધન કરીને ભાજપ, શિવસેના અને બીએસપીને ટક્કર આપી.

વાત નાગાલેન્ડની કરીએ તો અહીં લોકસભા પેટાચૂંટણીમાં સત્તારૂઢ પીપલ્સ ડેમોક્રેટિક એલાયન્સ (PDA)એ તોખેહો યેપથોમીને ઉમેદવાર ઉભા રાખ્યા હતા. યેપથોમીને ૨,૧૫,૮૩૫ મત મળ્યા, જયારે વિપક્ષના નગા પીપલ્સ ફ્રન્ટ કે. સી અપોક જામિરને ૧,૩૭,૮૬૩ મત મળ્યા. પીડીએના મુખ્ય ઘટક દળ એનડીપીપી અને ભાજપ છે, જયારે કોંગ્રેસે એનપીએફ ઉમેદવારને સમર્થન આપ્યું હતું. જો ૧૦ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામ અને વોટ શેરનું વિશ્લેષણ કરીએ તો મોટાભાગની બેઠકો પર ભાજપના વોટશેર ઘટ્યા છે. જોકે, પશ્ચિમ બંગાળની મહેશતલા વિધાનસભા બેઠક પર હાર છતાં ભાજપના વોટ શેરમાં વધારો થયો છે. અહીં તેઓ સીપીએમ અને કોંગ્રેસને પછાડીને બીજા સ્થાન પર આવ્યા છે. અહીં તૃણમૂલ કોંગ્રેસના દુલાલનો વિજય થયો છે.

આ સાથે યુપીની નૂરપુર વિધાનસભા બેઠક પર ભાજપના વોટ શેરમાં વધારો થયો છે. નૂરપુરમાં પાછલી ચૂંટણીમાં ભાજપને ૩૯ ટકા વોટ મળ્યા હતા જયારે આ વખતે ૪૭.૨ ટકા મત મળ્યા છે. જોકે, આટલા વોટ મળવા છતાં પણ વિપક્ષને પરાસ્ત કરવામાં સફળતા નથી મળી. અહીં સમાજવાદી પાર્ટીના નઈમ-ઉલ-હસને ભાજપના અવની સિંહને પરાસ્ત કર્યા છે.

કર્ણાટકમાં આરઆર નગર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના મુનિરત્નાને ભાજપના પી. એમ. ગૌડાને ૪૧,૧૬૨ મતોથી હરાવ્યા છે. જયારે કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસના ગઠબંધનની સરકાર છે, એવામાં ભાજપ માટે રસ્તો સરળ નથી.

(1:21 pm IST)