મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

પેટ્રોલ-ડીઝલ બાદ હવે રાંધણ ગેસના ભાવમાં ભડકો

સબસીડીવાળા એલપીજી સિલીન્‍ડરના ભાવમાં રૂા. ૨.૩૪ પૈસા અને સબસીડી વગરના સિલીન્‍ડરના ભાવમાં રૂા. ૪૮નો વધારો ઝીંકી દેવાયોઃ આજથી અમલ : હોટલ-રેસ્‍ટોરન્‍ટ માટેના એલપીજી સિલીન્‍ડરના ભાવમાં રૂા. ૭૭નો વધારોઃ ભાવ થયો રૂા. ૧૨૪૪.૫૦

નવી દિલ્‍હી, તા. ૧ : પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારા બાદ હવે એલપીજી એટલે કે રાંધણ ગેસ પણ મોંઘો થઈ ગયો છે. મળતી માહિતી મુજબ સબસીડીવાળા રાંધણ ગેસના બાટલાના ભાવમાં ૨ રૂપિયા ૩૪ પૈસાનો વધારો કરવામાં આવ્‍યો છે તો સબસીડી વગરના એલપીજી સિલીન્‍ડરના ભાવમાં ૪૮ રૂા.નો વધારો ઝીંકી દેવામાં આવ્‍યો છે. સરકારના આંકડા અનુસાર અત્‍યારે દેશના પ્રત્‍યેક ૧૦૦ પરિવારોમાંથી ૮૧ પાસે એલપીજી કનેકશન છે.

આ વધારા બાદ દિલ્‍હીમાં લોકોએ એલપીજી સિલીન્‍ડર માટે ૪૯૩. ૫૫ પૈસા ચુકવવા પડશે તો સબસીડી વગરના બાટલા માટે દિલ્‍હીમાં ૬૯૮.૫૦ પૈસા ચુકવવા પડશે. અત્રે નોંધનીય છે કે, ૧ લી મે ના રોજ દિલ્‍હીમા બાટલાનો ભાવ ૪૯૧.૨૧ હતો જે હવે ૨.૩૪ પૈસા વધીને ૪૯૩.૫૫ થઈ ગયો છે.

આ ભાવ વધારા બાદ એલપીજીનો ભાવ કોલકતામાં ૪૯૬.૬૫, મુંબઈમાં ૪૯૧.૩૧, ચેન્‍નઈમાં ૪૮૧.૮૪ થઈ ગયો છે તો સબસીડી વગરના બાટલાનો ભાવ કોલકતામાં ૭૨૩.૫૦, મુંબઈમાં ૬૭૧.૫૦, ચેન્‍નઈમાં ૭૧૨.૫૦ થઈ ગયો છે. આ પ્રકારે આજથી વધેલા ભાવ બાદ દિલ્‍હીમાં સબસીડી વગરનો બાટલો ૪૮.૫૦ પૈસા મોંઘો થઈ ગયો છે તો કોલકતામાં ૪૯.૫૦, મુંબઈમાં ૪૮.૫૦, ચેન્નઈમાં ૪૯.૫૦ વધી ગયા છે.

આ સિવાય હોટલ અને રેસ્‍ટોરન્‍ટે પણ બાટલો ખરીદવા માટે વધુ પૈસા આપવા પડશે. હવે તેઓએ ૭૭ રૂા. વધુ ચુકવવા પડશે અને ભાવ ૧૨૪૪.૫૦ પૈસા થઈ ગયો છે.

અત્રે એ નોંધનીય છે કે દેશના દરેક ઘરને ૧ વર્ષમાં રાહત ભાવે ૧૨ બાટલા મળે છે. એવામાં જો ૧૩મો બાટલો લેવામાં આવે તો તેણે સબસીડી વગરનો મોંઘો બાટલો લેવો પડે છે.

(11:03 am IST)