મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

રાષ્ટ્રીય કિસાન મહાસંગઠન દ્વારા હડતાળ, શાકભાજી, દૂધ અને અનાજ ન વેચવા ખેડૂતોને અપીલ

દેશવ્યાપી આંદોલનને લઇ મધ્યપ્રદેશમાં રાજકારણ ગરમાયું

નવી દિલ્હી તા. ૧ : ૧ થી ૧૦ જૂન વચ્ચે ઘણા રાજયોમાં ખેડૂતો હડતાળ કરવા જઇ રહ્યાં છે. જેમાં દૂધ અને રોજબરોજની વસ્તુઓને લઇને આમજનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ખેડૂત સંગઠનોએ મધ્યપ્રદેશના મંદસૌરમાં પોતાની માંગણીઓને લઇને આંદોલન કર્યું હતું, જેમાં રાજયની પોલીસે કરેલા ફાયરિંગમાં પાંચ ખેડૂતોના મોત નિપજયા હતા.

ભારતીય કિસાન યૂનિયને ૧ જૂનથી ૧૦ જૂન સુધી ચાલનારી હડતાળને લઇને બધી તૈયારીઓ કરી લીધી છે. માંગણી પુરી ન થવાની નારાજ ખેડૂતોનું ૧ જૂનથી શરૂ થઇ રહેલું દેશવ્યાપી આંદોલનને લઇને મધ્ય પ્રદેશમાં રાજકારણ ગરમાયું છે.

રાજયમાં પાંચ મહિના બાદ વિધાનસભા ચૂંટણી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખેડૂતોનું આંદોલન મોટો મુદ્દો બની ગયો છે. કોંગ્રેસે આ આંદોલનને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે ત્યારે ભાજપ સરકાર ખેડૂત આંદોલનને સમેટવાના પ્રયાસો કરી રહી છે.

ખેડૂતોની સમસ્યાને લઇને ૧ જૂન એટલે કે આજથી રાષ્ટ્રીય કિસાન મહાસંગઠન દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય કિસાન મહાસંગઠન દ્વારા ખેડૂતોને શાકભાજી, દૂધ અને અનાજ ન વેચવા માટે અપીલ પણ કરવામાં આવી છે. ભાજપ સરકાર દ્વારા ખેડૂતો સાથે અન્યાય કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. જેના કારણે એક દિવસીય પ્રતિય ઉપવાસનુ એલાન પણ કરવામાં આવ્યુ છે.

દેશભરમાં હડતાળના પગલે વહેલી સવારે નાસિક પાસે શાકભાજીના ટ્રક રોકવામાં આવ્યા છે.રાષ્ટ્રીય કિસાન સંગઠને આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારે ખેડૂતોને સકંજામાં લેવા પ્રયાસો કર્યા છે. આસમસ્યાઓને લીધે ખેડૂતો બેહાલ બન્યા છે. રાજકીય દબાણ હેઠળ સરકાર ભૂમિ અધિગ્રહણ જેવા કાળા કાયદા ઘડી રહી છે.

કેન્દ્રની મોદી સરકારને ૪ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે ત્યારે સ્વામીનાથન કમિટીની ભલામણનો સ્વીકાર કરાયો નથી. તો બીજી તરફ ખેત ઉત્પાદનના દોઢ ગણા ભાવ આપવાના વાયદા હજુ કેન્દ્ર સરકારે પુરા કર્યા નથી. જેને લઇને ખેડૂતોએ હવે સરકાર સામે મોરચો માડયો છે.

(10:34 am IST)