મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

આવતા સપ્તાહે આવી શકે છે પીક

હવે કોરોનાથી રાહત ઢુકડી : કેસ ઘટવા લાગશે

નવી દિલ્હી તા. ૧ : કોરોના વાયરસના પ્રકોપ સામે લડી રહેલા દેશ માટે રાહતના સમાચાર છે. સરકારના સલાહકાર વિજ્ઞાનીઓના ગ્રુપે પરિસ્થિતિના વિશ્લેષણ પછી અનુમાન કર્યું છે કે કોરોના સંક્રમણનું પીક (ઉચ્ચતમ બિંદુ) ત્રણથી પાંચ મે વચ્ચે આવી શકે છે. ત્યાર પછી દેશમાં કોરોના સંક્રમણના કેસ ઓછા થઇ શકે છે. આ અનુમાન પહેલાના અનુમાન કરતા એક અઠવાડીયું વહેલું પીક આવવાનું છે. આ અનુમાન કોરોનાના દર્દીઓની ઝડપથી વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને કરાયું છે.

ભારતમાં સતત ૧૦ દિવસથી રોજના ત્રણ લાખથી વધારે કેસ આવી રહ્યા છે. શુક્રવારે આ સંખ્યા વધીને ૩.૮૬ લાખથી પણ વધી ગઇ છે. તેના લીધે પ્રજાની મુશ્કેલીઓ વધી છે. દેશ ઓકસીજન, દવાઓ અને સંસાધનોની અછત ભોગવી રહ્યો છે. આખી દુનિયામાંથી ભારતને મદદ મોકલાઇ રહી છે.

સંક્રમણ પર નજર રાખવા રચાયેલ વૈજ્ઞાનિકોના ગ્રુપના પ્રમુખ એમ.વિદ્યાસાગર અનુસાર અમારૂ અનુમાન સંક્રમણનું પીક આવતા સપ્તાહમાં આવવાનું છે. પહેલા આ ગ્રુપે પાંચ મેથી ૧૦ મે વચ્ચે પીક આવવાનું કહ્યું હતું. વિદ્યાસાગરે કહ્યું 'અમે કેટલાક અનુમાનો બાબતે ગંભીર નથી જેમાં સંક્રમનું પીક જુલાઇ અથવા ઓગસ્ટમાં આવવાનું કહેવાઇ રહ્યું છે. અમારૃં માનવું છે કે ત્યાં સુધીમાં દેશમાંથી સંક્રમણની વર્તમાન લહેર ખતમ થઇ જશે પણ પહેલાની જેમ ઓછા કેસ આવતા રહેશે અને પરિસ્થિતિ નિયંત્રણમાં થશે.'

તેમણે કહ્યું કે, આપણે આ લહેરની અસર સામે આગામી  ચાર થી છ અઠવાડિયા લડવું પડશે. આ દરમિયાન મોટી સંખ્યામાં કેસ આવતા રહેશે પણ આપણે જો સાવચેતી રાખશું દિવસે દિવસે તેની સંખ્યા ઘટતી જશે. એટલે મુશ્કેલીથી બચવા માટે કોઇ લાંબી રૂપરેખા ના બનાવો, બચવા માટે જે કરવાનું છે તે અત્યારે જ કરો.

(11:06 am IST)