મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

એન્ટીબોડી ક્ષમતા સમાપ્ત થવાથી સંક્રમણ વધ્યું

પ્રથમ લહેર બાદ બનેલી એન્ટીબોડી લોકોમાં સમાપ્ત થઇ ગઇ : નવા વાયરસ પર તે કામ કરતી નથી

નવી દિલ્હી તા. ૧ : કોરોનાની બીજી લહેરનું કારણ પહેલી લહેરમાં ઉત્પન્ન થયેલ રોગ પ્રતિકારક શકિત ખતમ થવાનું મનાય રહ્યું છે. આરોગ્ય નિષ્ણાંતો આવા સંકેત આપે છે.

નિષ્ણાંતો અનુસાર ગઇ લહેરમાં લોકોને મોટા પાયે કોરોના થયો હતો. ઘણી જગ્યાએ ૬૦ ટકા લોકોમાં એન્ટીબોડીઝ જોવા મળ્યા હતા. જે નવા સંક્રમણ સામે કામ કરે છે. પણ કાંતો સમયની સાથે આ એન્ટીબોડીઝ નષ્ટ થઇ ગયા છે અથવા તો નવા વાયરસ સામે તે કામ નથી કરી રહ્યા.

દિલ્હીની લેડી હાર્ડીંગ મેડીકલ કોલેજના ડાયરેકટર પ્રોફેસર એન.એન.માથુરે 'હિન્દુસ્તાન' સાથેની વાતચીતમાં કહ્યું કે, એ સાચું છે કે દિલ્હી સહિત ઘણાં રાજ્યોમાં સીરો સર્વે દરમિયાન લોકોમાં મોટા પાયે એન્ટીબોડીઝ જોવા મળ્યા હતા. પણ તેમ છતાં આટલી ઝડપથી ફેલાયેલ સંક્રમણ એ દર્શાવે છે કે છ મહિના પહેલા લોકોમાં ઉત્પન્ન થયેલ એન્ટીબોડીઝ નબળા પડી ગયા છે અથવા નષ્ટ થઇ ગયા છે. બીજું કારણ એ પણ હોઇ શકે છે કે વાયરસના નવા સ્વરૂપને તે ઓળખી નથી શકતા એટલે તેની અસરને રોકી નથી શકતા.

ડો. માથુરે કહ્યું કે, આ વખતે ઘણા વધારે લોકોને ઓકસીજનની જરૂર પડી રહી છે તેમ કહેવું યોગ્ય નથી. આ તકલીફ પહેલી લહેરમાં પણ હતી પણ ત્યારે દર્દીઓની સંખ્યા આટલી બધી નહોતી.

(11:05 am IST)