મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

ઇવેન્ટ મેનેજમેન્ટનો બિજનેસ ઠપ્પ

લગ્નો - મેળાવળા બંધ રહેતા મંડપ ડેકોરેટર્સનાં ધંધા ભાંગી ગયાઃ શ્રમિકોની રોજી-રોટી છીનવાઇ

મુંબઇ, તા.૧: વૈશ્વિક મહામારી કોરોનાની સૌથી વધુ માઠી અસર સિઝનલ ધંધા સાથે સંકળાયેલા લોકોને થઇ છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે સરકારે વ્યાપક પગલાં લીધા છે. જેમાં જાહેર મેળાવડા અને લગ્નસમારહોમાં થતી ભીડ અટકાવવા મર્યાદિત લોકોની હાજરીમાં કાર્યક્રમો યોજવાની ગાઇડલાઇન જાહેર કરી છે. જેના કારણે મંડપ ડેકોરેશનના ધંધાર્થી ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. જયારથી કોરોના મહામારી આવી છે ત્યારથી મંડપ ડેકોરેશનવાળાના ધંધાર્થીઓની પાયમાલી શરૂ થઇ છે. આ ધંધા સાથે સંકળાયેલા મજૂર વર્ગની રોજગારી છીનવાઇ છે.

મંડપ ડેકોરેશન અને ઇવેન્ટ મેનેજમેન્ટના વેપારીઓને મોટો ફટકો પડયો છે. આ ધંધા સાથે સંકળાયેલા ૭૦ ટકા શ્રમિક વર્ગની રોજીરોટી છીનવાઇ ગઇ છે. સામાન્ય રીતે લોકો લગ્નપ્રસંગની ઉજવણી મોટાપાયે કરતા હોય છે. જેના કારણે વર્ષભર મંડપ ડેકોરેશન અને ઇવેન્ડ મેનેજમેન્ટને કંપનીઓ કામ કરે છે. જો કે ગત વર્ષથી કોરોના મહામારીએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારથી ઉજવણીઓની સંખ્યા ઘટી છે અથવા તો કાર્યક્રમો નાના પાયા પર યોજાઇ રહ્યા છે. જેના કારણે ગત વર્ષથી અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં શ્રમિક વર્ગની રોજગારી છીનવાઇ છે. હાલમાં જ નવી ગાઇડલાઇન મુજબ લગ્નપ્રસંગમાં પ૦ વ્યકિતની મર્યાદા લાગુ કરવામાં આવતા અનેક લોકોએ કાર્યક્રમો રદ કર્યા છે. લગ્ન પ્રસંગોની સાથે જ સામાજિક કાર્યક્રમ, ધાર્મિક કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા આયોજનમાં મોટાભાગે ઓછી સંખ્યામાં લોકો હાજર રહી ઉજવણી કરે છે. જેને લઇને ઇવેન્ટ મેનેજમેન્ટ ઉદ્યોગ પર મોટી અસર થઇ છે.મંડપ ડેકોરેશનના કમલેશભાઇ સોની સાથે કહે છે કે, સામાન્ય સંજોગોમાં ૩૦ લાખથી વધુનો વેપાર થતો હતો. કોરોનાની મહામારીને કારણે વેપારમાં ૯૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. લગ્ન પ્રસંગો ઓછા લોકોની હાજરીમાં ઉજવવામાં આવતા હોવાથી સંગીત, ડેકોરેશન, મહેંદી, વરઘોડો, લકઝરીબસ કાર, ફટાકડા સહિતની વસ્તુઓ ઉપર કાપ મુકી દીધો છે. જેને લીધે કાર્યક્રમમાં રોકાતા શ્રમિક વર્ગનું કામકાજ લગભગ બંધ જેવું થયું છે મોટાભાગે નાના મજુરો વધારે જોડાયેલા હોવાથી તેમની રોજીરોટી છીનવાઇ ગઇ છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારા વર્ષોથી મંડપ ડેકોરેશનનો ધંધો છે. આ પ્રકારે નુકશાની સહન કરવાનો પ્રથમ અનુભવ છે. ચાલુ વર્ષે અનેક મોટા લગ્ન સમારંભ કેન્સલ થયા છે. નાના-મોટા ખર્ચ કાઢવા પણ મુશ્કેલ થઇ રહ્યા છે. ઘણા લોકોએ આ વેપાર છોડીને બીજા ધંધામાં જોડાઇ ગયા છે. હજુ પણ સ્થિતિ કયારે સામાન્ય થશે તે કહેવું મુશ્કેલ છે.

(10:47 am IST)