મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે PM મોદીને મોકલ્યો સંદેશ : કોરોના વિરૂધ્ધ લડાઇમાં મદદનો આપ્યો પ્રસ્તાવ

નવી દિલ્હી તા. ૧ : કોરોનાના કહેર વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કોરોના વાયરસ વિરૂદ્ઘ લડાઈમાં મદદનો પ્રસ્તાવ આપ્યો છે. આ સંબંધમાં ભારતમાં ચીનના રાજદૂત સુન વેઈદોંગે ટ્વીટ કરી જાણકારી આપી છે.

આ પહેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ગુરૂવારે કહ્યુ હતુ કે કોવિડ-૧૯ વિરૂદ્ઘ જંગમાં તેમનો દેશ ભારતની દરેક સંભવ મદદ કરશે અને કહ્યુ કે, ચીનમાં બનેલી મહામારી વિરોધી સામગ્રી વધુ ઝડપથી ભારત પહોંચાડવામાં આવી રહી છે.

વિદેશ મંત્રી એસ જયશંકરને લખેલા પત્રમા વાંગે કહ્યુ, 'ભારત જે પડકારોનો સામનો કરી રહ્યુ છે, તેના પ્રત્યે સંવેદના રાખીએ છીએ અને અમારી સહાનુભૂતિ પ્રગટ કરીએ છીએ.'

ભારતમાં ચીનના રાજદૂત સુન વેઇદોંગે આ પત્રને ટ્વિટર પર શેર કર્યો છે, જેમાં લખ્યુ છે- કોરોના વાયરસ માનવતાનો સંયુકત દુશ્મન છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને એક અને સમન્વયિત થઈને તેનો મુકાબલો કરવાની જરૂર છે. ચીની પક્ષ ભારત સરકાર અને ત્યાંના લોકોની મહામારી સામે લડાઈનું સમર્થન કરે છે.

(10:46 am IST)