મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

કોરોનાનું વૈશ્વિક સરવૈયુ

૩૧ લાખ લોકોના મોત : ૧૫ કરોડ લોકો સંક્રમિત

નવી દિલ્હી,તા. ૧: વિશ્વમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. તેનું પરિણામ એ છે કે છેલ્લા ૨૪ કલાકમાં, વિશ્વમાં નવ લાખથી વધુ કોરોના ગ્રસ્ત લોકોનો વધારો થયો છે. આનાથી કોરોના પીડિતોનો વૈશ્વિક આંક ૧૫ કરોડને પાર કરીચુકયો છે. વિશ્વમાં કોરોના રોગચાળો હાહાકાર  મચાવી રહ્યો છે. આ દરમિયાન વિશ્વમાં સતત બીજા દિવસે ૧૫ હજારથી વધુ દર્દીઓના મોત નીપજયાં. તે જ સમયે, શનિવાર અને રવિવારે પાકિસ્તાનના લાહોર શહેરમાં લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જહોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર ગઇ કાલે સવારે ચેપગ્રસ્ત લોકોનો વૈશ્વિક આંકડો વધીને ૧૫ કરોડ ૧ લાખ ૨ હાજર ૨૦૬ થયો છે.  એક દિવસ અગાઉ આ સંખ્યા ૧૪ કરોડ ૯૧ લાખ ૯૭ હજાર ૯૩૨ હતી જયારે કોરોનાથી મરી ગયેલા લોકોનો આંકડો વધીને ૩૧ લાખ ૬૧ હજાર ૬૩૭ થયો છે. ગુરુવાર સુધીમાં આ સંખ્યા ૩૧ લાખ ૪૬ હજાર ૨૮૪ હતી.

વિશ્વમાં કોરોના રોગચાળાથી અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત છે. આ દેશમાં અત્યાર સુધીમાં કુલ ૩૦ લાખ ૪૦ હાજર કેસ સામે આવ્યા છે. અને લગભગ ૫ લાખ ૯૦ હજાર પીડિતો મૃત્યુ પામ્યા છે. અમેરિકા પછી, ભારત અને બ્રાઝિલમાં રોગચાળોએ સૌથી વધુ કહેર મચાવ્યો છે.

બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં ૩,૦૦૧ પીડિતોનાં મોતથી મૃત્યુની સંખ્યા ચાર લાખને વટાવી ગઈ છે. જયારે આ સમયગાળા દરમિયાન, દેશભરમાં ૬૯ હજાર ૩૮૯ નવા કેસને કારણે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા એક કરોડ ૪૫ લાખ ૯૦ હજારને વટાવી ગઈ છે.

જર્મની :  કોરોનાની ત્રીજી લહેરથી પ્રભાવિત દેશમાં હવે નવા કેસો ઘટી રહ્યા છે. ગુરૂવારે ૨૪ હજાર ૭૩૬ નવા કેસ આવ્યા હતા.

રશિયા :  ૨૪ કલાકમાં ૮,૭૩૧ નવા કેસ સામે આવ્યા છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૪૮ લાખને વટાવી ગઈ છે. કુલ એક લાખ દસ હજાર મૃત્યુ પામ્યા છે.

ન્યુઝીલેન્ડ : ગઇ કાલે દેશભરમાં કોરોનાનો કોઈ નવો કેસ મળ્યો નથી. હાલમાં, ફકત ૨૩ સક્રિય કેસ છે. કુલ ૨,૨૫૭ કેસ મળી આવ્યા છે.

(10:41 am IST)