મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

નાના વેપારીઓ અને લોન લેનારાને રાહત આપવાની તૈયારી

રિસ્ટ્રકચરિંગ સ્કીમ ફરી શરૂ કરાય તેવી સંભાવના

મુંબઈ, તા.૧: કોવિડ મહામારીના સમયે બેન્કના ગ્રાહકોને ટેકો આપવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગયા વર્ષે જાહેર કરેલી રિસ્ટ્રકચારિંગ સ્કીમને લંબાવવા અંગે મધ્યસ્થ બેન્કે ઇન્ડિયન બેન્કસ એસોસિયેશન સાથે વાતચીત શરૂ કરી હોવાનું જાણવા મળે છે. આમ તો આ સ્કીમને આટોપી લેવાઈ છે પણ મહામારીની બીજી લહેરના સંદર્ભમાં બેન્કોએ આરબીઆઇને તેને લંબાવવાનો અનુરોધ કર્યો છે, એમ જાણકાર વર્તુળોએ કહ્યું હતું.

રિટેલ અને નાના ધંધાર્થીઓ માટે રાહત આપવાનો વિચાર ચાલી રહ્યો છે એમ જણાવી આ વર્તુળોએ ઉમેર્યું હતું કે રિસ્ટ્રકચારિંગ વિન્ડો ફરીથી ખોલવામાં આવે અને સપ્ટેમ્બર સુધી એ ચાલુ રહે એવી શકયતા છે. જોકે, ચર્ચાવિચારણા હજુ પ્રારંભિક તબક્કે છે અને નિર્ણય કે તેની વિગતો વિષે કોઈ સ્પષ્ટતા નથી.

જો આરબીઆઇ ફરીથી રિસ્ટ્રકચારિંગને મંજૂરી આપે તો એ એવા બોરોઅર્સ માટે રહેશે જેમણે કોઈ ડિફોલ્ટ કર્યો નથી. જે બોરોઅર્સએ એક વાર તેમના ધિરાણનું પુનર્ગઠન કર્યું છે. તેમને હવે ફરીથી આ લાભ આપવામાં નહિ આપે એવો અભિપ્રાય કેટલાક બેન્કરોએ આપ્યો હતો.

ખાસ કરીને વિવિધ રાજયોએ સ્થાનિક લોકડાઉન જાહેર કર્યા તેને કારણે જે નાના બોરોઅર્સને અસર પડી છે તેમને માટે આ સ્કીમ જાહેર કરવામાં આવે એવી વકી છે.

ઇમર્જન્સી-લિંકડ ગેરંટી સ્કીમ હેઠળ સૂક્ષ્મ, નાના, અને મધ્યમ એકમોને ગયા વર્ષે પ્રવાહિતાનો ટેકો મળવાને કારણે તેમણે મોટી સંખ્યામાં ધિરાણનું પુનર્ગઠન કર્યું નહોતું. પણ આ વર્ષે પરિસ્થિતિ અલગ છે. અત્યારે તેમને એવો કોઈ ટેકો પ્રાપ્ત ન હોવાથી પુનર્ગઠનનો વિકલ્પ જરૂરી બની ગયો છે એમ પણ બેન્કિંગ વર્તુળોનું કહેવું છે.

ગયા વર્ષે ધિરાણના પુનર્ગઠનની જે સ્કીમ જાહેર કરાઈ હતી એ એક સમયની જ હતી અને પછી તેને બંધ કરી દેવાઈ હતી.

મહામારીની બીજી લહેરની અસર ઘણી વ્યાપક હશે અને બેન્કના ગ્રાહકોને રાહત આપવાની જરૂર છે એમ હવે બેન્કિગ નિયામકે સ્વીકાર્યું છે એમ એક અગ્રણી બેન્કરે કહ્યું હતું.

ગયા વર્ષે સમગ્ર અર્થવ્યવસ્થામાં કેટલા ધિરાણનું પુનર્ગઠન થયેલું તેના આંકડા હજુ ઉપલબ્ધ નથી પણ કેટલીક મોટી બેન્કોએ પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા તેમાં જણાય છે કે ઘણા રિટેલ બોરોઅર્સએ આ સ્કીમનો લાભ લીધો હતો.

પુનર્ગઠન પામેલા ધિરાણનું મૂલ્યાંકન બહુ ઊંચું નહિ હોય પણ જે ખાતાઓમાં એ કરવામાં આવેલું તેની સંખ્યા ઊંચી હતી. કોર્પોરેટ ક્ષેત્રમાં ધાર્યા કરતા ઓછી કંપનીઓએ આ સ્કીમનો લાભ લીધો હતો.

ઇન્ડિયન બેન્કસ એસોસિયેશન ઉપરાંત ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ડેવેલપમેન્ટ કાઉન્સિલ, રિયલ એસ્ટેટનું સંગઠન ક્રેડાઈ, તેમ જ એસોચેમે પણ રિસ્ટ્રકચારિંગ સ્કીમને લંબાવવાની માગણી કરી છે. ઓગસ્ટ ૨૦૨૦માં જાહેર કરાયેલી આ સ્કીમ હેઠળ બોરોઅર્સ તરફથી પુર્નચુકવણીનો સમય બે વર્ષ સુધી લંબાવી શકાય એવી જોગવાઈ હતી.

(10:38 am IST)