મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

મુખ્યમંત્રીએ મૃતકોના વારસને ૪ લાખની સહાય આપવાની જાહેરાત

ભરૂચ તા. ૧ : રાજયમાં વધુ એક કોવીડ હોસ્પિટલ આગની ઝપટમાં આવી ગઈ છે. ભરૂચ શહેરની પટેલ વેલફેર કોવીડ હોસ્પિટલનાં કોવીડ આઈસીયું વોર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવતાં ૧૮ વ્યકિતનાં કરૂણ મોત નીપજયાના અહેવાલો છે જયારે અનેક વ્યકિતઓ આગના કારણે દાજયા છે. આ દર્દીઓમાં ૧૬ દર્દી હતા જયારે બાકીના સ્ટાફનો સમાવેશ થાય છે. જયારે અન્ય દર્દીઓ આગના કારણે દાજયા છે. આગ મોડી રાતે લાગી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ઘટના બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકોના પરિવાર પ્રત્યે દુઃખ વ્યકત કર્યુ છે અને ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યકિતના વારસને ૪ લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે.

આ બનાવ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભરૂચની કોવીડ હોસ્પિટલમાં સર્જાયેલી આગની દુઃખદ ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી તેમના પરિવાર જનોને સંત્વના પાઠવી છે.

મુખ્યમંત્રી એ આ આગ દુઘર્ટના માં જેમના દુઃખદ મૃત્યુ થયા છે તે પ્રત્યેક મૃતકોના વારસને ૪ લાખ રૂપિયાની સહાય રાજય સરકાર તરફી મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની પણ જાહેરાત કરી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ભરૂચની વેલફેર હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા. તેવામાં તા. ૩૦ એપ્રિલની મધ્યરાત્રીએ હોસ્પિટલાના કોવિડ આઈસીયુ વોર્ડમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના ૫થી ૬ હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડાં કરી રહ્યાં હતા.

(9:44 am IST)