મુખ્ય સમાચાર
News of Saturday, 1st April 2023

મલેશિયા પણ વેપારમાં સ્વીકારશે ભારતીય ચલણ: 35 દેશો અગાઉ આપી ચૂક્યા છે મંજૂરી

વિશ્વમાં ભારતીય રૂપિયાનું વજન વધ્યું

નવી દિલ્હી:ભારત અને મલેશિયા વચ્ચે હંમેશા ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. બંને દેશો વચ્ચે સમયાંતરે ઉચ્ચ સ્તરીય સમિટ પણ થાય છે. આ બંને રાષ્ટ્રો આસિયાન જૂથમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વેપારના સંદર્ભમાં પણ બંને દેશો વચ્ચે ઘણા સારા સંબંધો રહ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે ભારત અને મલેશિયા વચ્ચેના વેપારને લઈને એક મહત્વપૂર્ણ માહિતી આપી છે. આ માહિતી બંને દેશો વચ્ચેના વેપારના ચલણ સાથે સંબંધિત છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે બંને દેશો વચ્ચેનો વેપાર હવે અન્ય કરન્સી ઉપરાંત રૂપિયામાં પણ થઈ શકશે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 35 દેશોએ ભારત સાથે રૂપિયામાં કારોબાર કરવામાં રસ દાખવ્યો છે. રશિયા ઉપરાંત ભારતના પડોશી દેશો મ્યાનમાર, બાંગ્લાદેશ અને નેપાળ પણ આમાં સામેલ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલરની વધુ માંગ છે. અત્યાર સુધી ભારત દરેક વસ્તુની ચૂકવણી ડોલરમાં કરે છે. આ માટે ભારત દ્વારા દર વર્ષે અબજો ડોલરનો ખર્ચ કરવામાં આવે છે. જો ભારત પણ રૂપિયા દ્વારા આયાત કરવામાં આવતી વસ્તુઓ માટે ચૂકવણી કરે તો ડોલર પરની નિર્ભરતા ઘટી શકે છે.

(8:53 pm IST)