મુખ્ય સમાચાર
News of Friday, 31st March 2023

ચેપગ્રસ્તનું ૨૪ કલાકમાં થઈ જાય છે મોત

આફ્રિકામાં રહસ્યમય વાયરસથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયો

આ વાયરસને કારણે નાકમાંથી લોહી વહે છે અને કથિત રીતે ચેપગ્રસ્ત વ્યક્તિને ૨૪ કલાકની અંદર મારી નાખે છે

બુરુન્ડી: આફ્રિકન દેશ બુરુન્ડીમાં એક અજાણ્યા વાયરસને કારણે લાખો લોકોમાં ભયનું વાતાવરણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વાયરસનો ચેપ લાગતાં નાકમાંથી લોહી નીકળે છે અને કથિત રીતે ચેપગ્રસ્ત વ્યક્તિને ૨૪ કલાકની અંદર મારી નાખે છે. આ વાયરસના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ચક્કર, ઉલ્ટી વગેરે છે. આ વાયરસના ભયને કારણે દેશના જાહેર આરોગ્ય અધિકારીઓ તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દેશના આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે કે તેઓ ઇબોલા અને મારબર્ગને પહેલાંથી જ નકારી ચૂક્યા છે. દરમિયાન, સ્થાનિક મીડિયા અહેવાલો કહે છે કે બે લોકોને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા પછી આરોગ્ય અધિકારીઓએ બાજીરો વિસ્તારને ક્વોરંટાઈન કરી દીધો છે. ધી મિરરના અહેવાલમાં મિગવા આરોગ્ય કેન્દ્રની એક નર્સને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ રોગ ચેપગ્રસ્ત દર્દીઓને ઝડપથી મારી નાખે છે. બુરુન્ડીના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, વાયરસ ચેપી હેમરેજિક બગ હોવાનું જણાય છે. આ મહિનાની શરૂઆતમાં બુરુન્ડીના પડોશી દેશ તાંઝાનિયાએ મારબર્ગ ફાટી નીકળવાની ઘોષણા કરતાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ પડોશી દેશોને એલર્ટ કરી દીધા હતા.

મારબર્ગ વાયરસે દક્ષિણ આફ્રિકાના દેશ ગિનીમાં તબાહી મચાવી છે. WHOએ કહ્યું કે દક્ષિણ આફ્રિકામાં મારબર્ગ વાયરસના કારણે લગભગ ૧૨ લોકોના મોત થયા છે.

૨૦થી વધુ દર્દીઓ આ વાયરસની પકડમાં છે. આ મહિનાની શરૂઆતમાં તાંઝાનિયાના ઉત્તર-પશ્ચિમ કાગેરા ક્ષેત્રમાં ભારે વિનાશ સર્જાયો હતો.

મારબર્ગ વાયરસ એ એક વાયરસ છે જે મારબર્ગ વાયરસ રોગને કારણે થાય છે. આ રોગ એક જીવલેણ ચેપ છે જે આફ્રિકાના કેટલાક ભાગોમાં માર્ચ ૧૯૬૭માં પ્રથમ વખત જોવા મળ્યો હતો. આ વાયરસે આફ્રિકામાં તેના પ્રારંભિક પ્રકોપ બાદમાં અમેરિકા અને યુરોપમાં પણ કેટલીક જગ્યાએ સંક્રમણનું કારણ બન્યા છે.

(12:37 am IST)