મુખ્ય સમાચાર
News of Wednesday, 1st April 2020

તમામ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતચીત

વિડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત થશે : કોરોનાના વધતા જતાં કેસો વચ્ચે થનાર ચર્ચા ઉપર નજર

નવીદિલ્હી, તા. ૧ : દેશભરમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુરુવારના દિવસે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડિયો કોન્ફરન્સિંગ પર ચર્ચા કરશે. કોરોના દર્દીઓની વધતી સંખ્યાથી રાજ્યથી લઇને કેન્દ્ર સુધી હલચાલ વધી ગઇ છે. કોરોનાનો સામનો કરવા માટે રાજ્યોની તૈયારીની સમીક્ષા કરાશે. સાથે સાથે મુખ્યમંત્રીઓ સમક્ષ તેમના રાજ્યોમાં આવી રહેલી પરેશાનીને પણ સાંભળશે. ભારતમાં કોરોનાના હજુ સુધી ૧૬૫૦થી વધુ કેસ થઇ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ૩૨૦થી વધુ કેસની સાથે સાથે નવના મોત થયા છે. દેશની અંદર કોરોના વાયરસના કેટલાક હોટસ્પોટ બનીને પણ તૈયાર થયા છે જે ખુબ જ ખતરનાક છે. મોદી પોતે ફ્રન્ટફુટથી નેતૃત્વ કરી રહ્યા છે. તેઓએ પહેલા મેડિકલ પ્રોફેશનલો સાથે પણ વિડિયો કોન્ફરન્સિંગથી વાત કરી છે

            . આ પહેલા મોદીએ દેશભરમાં ૨૧ દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી હતી. આ ગાળા દરમિયાન લોકડાઉનના ભંગને લઇને નારાજગી પણ વ્યક્ત કરી હતી. તમામ રાજ્યોને કઠોરરીતે લોકડાઉનને પાળવા માટે સૂચના આપી હતી. રાજ્યમાં કોરોના વધતા કેસો વચ્ચે આવતીકાલે મોદીની મુખ્યમંત્રી સાથેની વાતચીત ખુબ ઉપયોગી રહી શકે છે જેમાં ઉભી થયેલી સ્થિતિ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે તથા સ્થિતિને કઇ રીતે હાથ ધરવામાં આવે તેની વ્યૂહરચના તૈયાર કરાશે. મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, કર્ણાટક, દિલ્હી સહિતના રાજ્યોમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે.

(7:31 pm IST)