મુખ્ય સમાચાર
News of Wednesday, 1st April 2020

ગેસ સિલિન્ડરની કિંમતમાં ૬૫ રૂપિયા સુધીનો ઘટાડો

લોકડાઉનની સ્થિતિ વચ્ચે લોકોને મોટી રાહત થઇ : કોરોના વાયરસનો આતંક છે ત્યારે કંપનીઓ દ્વારા રાહત

નવી દિલ્હી, તા. ૧  : કોરોના વાયરસના ઇન્ફેક્શનના પરિણામ સ્વરુપે લોકડાઉન વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. એકબાજુ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં કાપથી બ્રેક મુકાઈ છે. બીજી બાજુ રાંધણ ગેસની કિંમતમાં પણ ઘટાડો થયો છે. ૧૪મી એપ્રિલ સુધી લોકડાઉનનો ગાળો ચાલનાર છે. લોકોને ઘરમાંથી બહાર નહીં નિકળવા કહેવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં કંપનીઓએ એલપીજીની કિંમતમાં ઘટાડો કરીને મોટી રાહત આપી દીધી છે. સ્થાનિક અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટી ગયા છે. ઇન્ડિયનની વેબસાઇટના કહેવા મુજબ દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામવાળા સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત ૭૪૪ રૂપિયા થઇ ગઇ છે જે પહેલા ૮૦૫.૫૦ રૂપિયાના ભાવે હતી. ઇન્ડિયન ઓઇલે એલપીજી સિલિન્ડરની કિંમતમાં સરેરાશ ૬૩ રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ બીજી વખત એવું કર્યું છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની ઘટતી કિંમતો વચ્ચે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

            દેશના પાટનગર દિલ્હીમાં રાંધણગેસ સિલિન્ડરના ભાવની વાત કરવામાં આવે તો પહેલા ૧૪.૨ કિલોગ્રામના રાંધણગેસ સિલિન્ડર ૮૦૫.૫૦ રૂપિયામાં મળી રહ્યા હતા. આ દ્રષ્ટિથી દિલ્હીમાં સબસિડી વગરના ગેસ સિલિન્ડર ૬૧ રૂપિયાથી વધુ સસ્તા થાય છે. સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત કોલકાતા, મુંબઈ, ચેન્નાઈ અને અન્ય મોટા શહેરમાં પણ ઘટી ગઈ છે. આ પહેલા માર્ચ મહિનામાં સિલિન્ડરની કિંમતમાં સરેરાશ ૫૪ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યોહતો. ફેબ્રુઆરી મહિનામાં આની કિંમતમાં ૧૪૫ રૂપિયાનો વધારો થઇ ગયો હતો. લોકડાઉનના ગાળા વચ્ચે એલપીજી ઉપર મોટી રાહત મળી છે. જેનાથી ચોક્કસપણે તમામ લોકોને રાહત થઇ જશે.

(7:37 pm IST)