મુખ્ય સમાચાર
News of Wednesday, 1st April 2020

૯૩ વર્ષના વૃધ્ધે કોરોના વાઇરસને માત આપતા ડોકટરોની આંખમાં પણ હર્ષના આંસુ આવી ગયા

કોંચી તા. ૧ : કેરળમાં ૯૩ વર્ષના એક વૃદ્ઘ અને તેમનાં ૮૮ વર્ષનાં પત્નીને સોમવારે કોરોનાથી સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો હતો. વાસ્તવમાં ૯૩ વર્ષની વયે માણસનું શરીર બીમારીઓ સામે લડવા અક્ષમ હોય છે એવામાં ડોકટર પણ હિંમત હારી ગયા હતા છતાં જીવલેણ બીમારીમાંથી ઊગરવું એ કોઈ ચમત્કારથી કમ નથી. આ વૃદ્ઘ દંપતી સાથે તેમનો પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર તથા તેમની સાથે જ દાખલ થયેલાં અન્ય સગાંસંબંધીઓને પણ ડિસ્ચાજ કરાયાં હતાં. આ દંપતી ર૯ ફેબ્રુઆરીએ ઇટલીથી આવ્યું હતું તથા પાંચમી માર્ચે આ પરિવાર હોસ્પિટલમાં દાખલ થયો હતો. આ દરમ્યાન તેમને ડાયાબિટીઝ અને હાઇપર ટેન્શનની તકલીફ પણ હતી. ઇન્ફેકશનની સારવાર દરમ્યાન કાકાને હાર્ટ-અટેક પણ આવ્યો હતો  છતાં તેઓ ઊગરી ગયા. લાંબો સમય હોસ્પિટલમાં રહેવાથી ડોકટરોને પણ તેમનાથી લગાવ થઈ ગયો હતો.

તેને વિદાય આપવા હોસ્પિટલના દરવાજા સુધી પહોંચેલા તેમનો ઇલાજ કરનાર ડોકટર અને હોસ્પિટલનો સ્ટાફ પોતાનાં આંસુ રોકી નહોતાં શકયાં. સારવાર દરમ્યાન તેમને હાર્ટ-અટેક આવ્યો તેમ જ વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યા, પણ આખરે કોરોના વાઇરસ સામેની લડતમાં તેઓ જીતી ગયા.

(10:43 am IST)