મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

રામ મંદિર માટે વિદેશમાં નિધી સમર્પણ અભિયાન ચલાવવા તૈયારી

ભારતમાં અભિયાન દ્વારા શુક્રવાર સુધીમાં ૨૧૦૦ કરોડનું દાન મળ્યું

અયોધ્યા,તા.૧ : રામ મંદિર નિર્માણ માટે ધન એકત્ર કરવાની મુહીમ દરમિયાન  શુક્રવાર સુધીમાં દાનની રકમ ૨૧૦૦ કરોડ જેટલી થઇ છે. જેમાં દરેક ધર્મના લોકોએ યોગદાન આપ્યુ છે. હવે ટ્રસ્ટ ભારતની તર્જ ઉપર વિદેશોમાં સમર્પણ અભિયાન ચલાવવાની રણનીતિ બનાવી રહ્યુ છે.

મંદિર નિર્માણ માટે દેશભરમાં ૪૪ દિવસ ચાલેલ નિધી સમર્પણ અભિયાનમાં ભકતોએ દીલ ખોલીને દાન આપેલ. આ અભિયાન મકરસંક્રાતથી શરૂ થઇ ૨૭ ફેબ્રુઆરીએ પૂર્ણ થયેલ. શનિ -રવિ બેંકમાં રજા હોવાથી ચોક્કસ રકમની આ અઠવાડીયે ખબર પડશે.

ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરીએ જણાવેલ કે આ અભિયાનમાં એ રકમ નથી. સામેલ જે ચેકોનું કલીયરીંગ હજી બાકી છે. તેમણે વધુમાં જણાવેલ કે વિદેશથી સતત આ પ્રકારના અભિયાનની માંગ થઇ રહી છે.  ભારતમાં સફળતા મળતા વિદેશમાં પણ સમર્પણ નિધી અભિયાન ચલાવવા યોજના બનાવાઇ રહી છે.

ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગીના ડ્રીમ પ્રોજેકટમાં ૨૫૧ મીટરની શ્રીરામની પ્રતિમા સ્થાપીત કરવાનો છે. જે માટે સરયુ પાસે બરહટામાં ૮૦.૩૫૭ હેકટર જમીનનું માર્કીંગ કરાયુ છે. જમીન માટે પર્યટન વિભાગે ૧૦૦ કરોડની રકમ અગાઉથી જ ફાળવી આપી છે.

(1:17 pm IST)