મુખ્ય સમાચાર
News of Friday, 1st January 2021

રાજસ્થાનમાં નવી આફતના એંધાણ ! : ઝાલાવાડમાં 50થી વધુ કાગડાના અચાનક મોતથી તંત્રમાં દોડધામ

તંત્રે અગમચેતીરૂપે બાલાજીના એક કિલોમીટરના વિસ્તારમાં કરફ્યૂ લાદી દીધો : રેપિડ રિસ્પોન્સ ટીમ પણ મેદાનમાં ઉતારી

જયપુર:રાજસ્થાનમાં કોરોના સંકટના વાદળો યથાવત છે, ત્યારે એક નવી આફતે બારણે ટકોરા દઈ દીધા છે. ઝાલાવાડના રાડીના બાલાજી વિસ્તારમાં 50થી વધારે કાગડાના અચાનક મોત થતા તંત્રમાં દોડધામ મચી હતી. તેની સાથે સ્થાનિકો પણ ફફડી ઉઠ્યા છે. વહીવટી તંત્રે અગમચેતીરૂપે બાલાજીના એક કિલોમીટરના વિસ્તારમાં કરફ્યૂ લાદી દીધો છે. તેની સાથે રેપિડ રિસ્પોન્સ ટીમ પણ મેદાનમાં ઉતારી દીધી છે.

ઝાલાવાડમાં અચાનક આટલી મોટી સંખ્યામાં કાગડાના મોતનું કારણ જાણવા તંત્રે તપાસ આદરી છે. પ્રાથમિક તપાસમાં બર્ડ ફ્લૂની આશંકા વ્યક્ત કરાઈ છે. વિશેષ ટીમે સેમ્પલની તપાસ હાથ ધરી છે. સરકારી સુત્રોના વધુમાં જણાવ્યા મુજબ સંબંધિત વિસ્તારમાં પોલ્ટ્રી ફાર્મ અને પોલ્ટ્રી શોપમાંથી પણ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. બાલાજીના એક મંદિર પાસેથી કાગડા મૃત્ત હાલતમાં મળ્યા હતા. વન અને પશુપાલન વિભાગની સંયુક્ત ટીમ બિમાર કાગડાઓને ઉપચાર કર્યો અને તેમના સેમ્પલ ભોપાલની વેટરનરી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. તેના રિપોર્ટમાં કાગડાઓમાં એવિયન એન્ફ્લુએન્જાના લક્ષણો જણાયા છે. ત્યારબાદ ઝાલાવાડના જિલ્લા કલેક્ટરે તુરત જ એક વિશેષ ટીમને બર્ડ ફ્લૂ આફતરૂપ ના બને તે માટે કાર્યવાહીના આદેશ જારી કર્યો છે.

બર્ડ ફ્લૂ કેવી રીતે ફેલાય છે: સામાન્ય રીતે બર્ડ ફ્લૂ એન્ફ્લુએન્જા એ વાયરસથી ફેલાય છે. તે ફ્લૂ સંક્રમિત પક્ષીઓથી પ્રસરે છે. તેનાથી બિમાર પક્ષીઓના સંપર્કમાં આવનારા માનવીઓમાં પણ તે સહેલાઈથી ફેલાઈ જાય છે. ત્યારબાદ આવી વ્યક્તિના માધ્યમથી તેનો ચેપ ફેલાતો રહે છે.

(11:28 am IST)