મુખ્ય સમાચાર
News of Friday, 1st January 2021

અમેરિકામાં કોરોનાનું તાંડવ ૪૮ કલાકમાં ૭૫૦૦ લોકોના મોત

વોશિંગ્ટન તા. ૧ : અમેરિકામાં ફરી એકવાર કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. કોરોનાથી મોટી સંખ્યામાં થઇ રહેલા મોતોએ અમેરિકા સહિત આખી દુનિયાને ફરી એકવાર ડરાવી દીધી છે. કોરોના વાયરસથી સૌથી ગંભીર રીતે અસરગ્રસ્ત અમેરિકામાં છેલ્લા ૪૮ કલાકમાં ૭૪૬૯ લોકોના મોત થયા છે.

જોન હોપકીન્સ યુનિવર્સિટીના વિજ્ઞાન  અને એન્જીનિયરીંગ કેન્દ્ર તરફથી ગુરૂવારે જાહેર કરાયેલ આંકડાઓ અનુસાર અમેરિકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રેકોર્ડ ૩૭૪૪ મોત નોંધવામાં આવ્યા. જ્યારે આના એક દિવસ પહેલા કોરોનાથી ૩૭૨૫ મોત નોંધાયા હતા. અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા સતત ઝડપભેર વધતા ૧ કરોડ ૯૭ લાખથી પણ વધી ગઇ છે, જ્યારે ૩,૪૨,૩૧૨ લોકોના મોત થયા છે.

અમેરિકામાં કોરોના વાયરસથી ૨૦ લાખથી વધારે બાળકો પણ સંક્રમિત થઇ ચૂકયા છે અને અહીં પરિસ્થિતિ ખરેખર ગંભીર છે. જો કે, આ બધાની વચ્ચે દેશમાં કોરોનાની રસી પણ લગાવાઇ રહી છે અને લાખો લોકોએ રસી મુકાવી પણ દીધી છે. તો વિશ્વના ૧૯૧ દેશોમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ૮,૩૧,૪૬,૮૧૦ લોકો સંક્રમિત થઇ ચૂકયા છે અને ૧૮,૧૨,૬૪૫ લોકોના કોરોનાના કારણે મોત થઇ ગયા છે.

(11:06 am IST)