મુખ્ય સમાચાર
News of Friday, 1st January 2021

અનિલ અંબાણી ઉપર રૂ. ૮૬,૦૦૦ કરોડનું દેવું

વિજય માલ્યા કરતાં દસ ગણા પૈસા માંગે છે બેંકો -સંસ્થાઓ

મુંબઇ,તા. ૧: ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલો અનુસાર ભારતની ત્રણ સરકારી બેંકો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કે અનિલ અંબાણીની ત્રણ કંપનીઓ રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ ઇન્ફ્રા અને રિલાયન્સ ટેલિકોમના બેન્ક ખાતાઓ ઉપર કૌભાંડનો આક્ષેપ લગાવ્યો છે.

હજુ આ રકમમાં સ્પેકટ્રમ પેમેન્ટના ૨૮ હજાર કરોડ રૂપિયા તો ગણવામાં આવ્યા જ નથી. જો આ આંકડો ધ્યાને લેવામાં આવે તો આ દેવું ઉદ્યોગપતિ વિજય માલ્યા કરતા દસ ગણું મોટું છે. વિજય માલ્યાનું દેવું ૯ હજાર કરોડ છે. નીરવ મોદીનું દેવું ૭ હજાર કરોડ જેટલું છે.

આ મુદ્દે રિલાયન્સ કોમ્યુનિકેશને ટિપ્પણી કરી છે કે સોશ્યલ મીડિયા ઉપર RCOM ગ્રુપના ૮૬,૦૦૦ કરોડના દેવામાં સમાચાર ખોટા છે. કંપનીએ દાવો કર્યો છે કે કંપનીનું દેવું બેંકરપ્સી બોર્ડ દ્વારા ૨૬૦૦૦ કરોડ નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ રકમની ઓછામાં ઓછી ૭૦% રકમ લેણદારો પાછી મેળવી શકશે.

નોંધનીય છે કે આજથી એક વર્ષ પહેલા એક ફોરેન્સિક ઓડિટમાં અનિલ અંબાણીની ત્રણુ કંપનીઓના ૫૫૦૦ કરોડના શંકાસ્પદ ટ્રાન્સેકશન્સ પકડાયા હતા. માર્ચ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ના વચ્ચે લાખોની સંખ્યામાં ટ્રાન્સેકશન્સ થયા હતા. આ ટ્રાન્સેકશનને ફંડ ડાયવર્ઝન માનવામાં આવે છે.

આ અહેવાલ અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. નોંધનીય છે કે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ અત્યારે બેંકરપ્સી પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યું છે. એવામાં આ અહેવાલના પગલે અનિલ અંબાણીના એસેટ ખરીદવામાં રસ ધરાવતા ખરીદારો પુનૅંવિચાર કરી શકે છે અને તેમના એસેટ ન વેચાતા તેમના દેવાની ચુકવણી વધુ લંબાઈ શકે છે. (૨૨.૪)

આ ત્રણેય કંપનીઓનું દેવું આ પ્રમાણે છે

 રિલાયન્સ કોમ્યુનિકેશન : ૪૯ હજાર કરોડ

રિલાયન્સ ટેલિકોમ : ૨૪ હજાર કરોડ

રિલાયન્સ ઇન્ફ્રા : ૧૨ હજાર કરોડ

. કુલ રકમ : ૮૬ હજાર કરોડ

 

(10:07 am IST)