Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ઈમરાને પાકની આર્થિક સ્વાયત્તા IMFમાં ગિરવે મૂકી : વિપક્ષ

પાકિસ્તાન સરકાર દેશ ચલાવવા IMF પર જ નિર્ભર : આઈએમએફ દ્વારા પાક.ને ૬ અબજ ડોલરની લોન અપાઈ

ઈસ્લામાબાદ, તા.૩૧ : પાકિસ્તાની સરકાર દેશ ચલાવવા માટે બીજા દેશો અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પર જ નિર્ભર છે. તેના પગલે હવે પાક સરકારને એવા નિર્ણયો કરવા પડી રહ્યા છે જેનાથી ઘર આંગણે લોકોનો અને વિપક્ષનો અસંતોષ વધી રહ્યો છે.પાકિસ્તાનના નાણા મંત્રીએ ગુરુવારે મિનિ બજેટ રજૂ કર્યુ છે.

આ બજેટ હેઠળ મોબાઈલ ફોન, ઈલેક્ટ્રિક વાહનો, આયાતી ખાવાનુ તેલ, ચિકન, દવાઓ સહિતની ૧૪૪ વસ્તુઓ પર ૧૭ ટકા જીએસટી લાગુ કરાયો છે.જેનો હેતુ પાકિસ્તાનની સરકારની આવક વધારવાનો છે પણ તેના કારણે લોકો પર ભારે બોજ આવશે.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા પાકિસ્તાનને ૬ અબજ ડોલરની લોન અપાઈ છે પણ તેની સાથે સાથે પાક સરકાર સમક્ષ કેટલીક શરતો પણ મુકવામાં આવી છે.જેમાં પાક સરકાર બજેટમાં જે ખાધ છે તે ઓછી કરવા માટે પગલા ભરે તે શરત પણ સામેલ છે.જેના પગલે પાક સરકારે મિનિ બજેટ રજૂ કર્યુ છે.આ બજેટ નવા ફાઈનાન્સ બિલના ભાગરુપે રજૂ કરવામાં આવ્યુ હતુ.

જોકે પાકિસ્તાનની વિપક્ષી પાર્ટી પાકિસ્તાની મુસ્લિમ લીગના નવાઝ જૂથના નેતા ખ્વાજા આસિફે કહ્યુ છે કે, સરકાર પોતાની આર્થિક સ્વાયતત્તા  ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સમક્ષ ગીરવે મુકી રહી છે.મહેરબાની કરીને પાકિસ્તાન પર ઈમરાનખાન સરકાર દયા કરે અ્ને પાકિસ્તાનને વેચવાનુ બંધ કરે. તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાનની આર્થિક સ્વાયત્તાનુ સમર્પણ તો ૧૯૭૧ના વોરમાં પાકિસ્તાની સેનાએ કરેલા સરેન્ડર કરતા પણ ખરાબ છે.જે પણ થઈ રહ્યુ છે તે શરમજનક છે.

દરમિયાન પાકિસ્તાની સરકાર વતી ઈમરાનખાનના મંત્રી અસદ ઉમરે કહ્યુ હતુ કે, અમે જે પણ પગલા ભરી રહ્યા છે તેની આંતરારાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ રહી છે.પાકિસ્તાનના એક નેતા દેશની આર્થિસ સ્વાયત્તા સરેન્ડર થઈ રહી હોવાનો આરોપ લગાવે તે શરમજનક વાત છે.

દરમિયાન વિપક્ષના હંગામાના પગલે પાક સંસદને સ્થગિત કરવામાં આવી હતી.

(9:16 pm IST)