Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વર્ષના છેલ્લા દિવસે

મુંબઈ પર ખાલિસ્તાની આતંકીઓની મોટાપાયે હુમલાની ધમકી : પોલીસ હાઇ અલર્ટ

મુખ્ય સ્ટેશનો, દાદર, બાન્દ્રા ચર્ચગેટ, સીએસએમટી, કુર્લા અને બીજા સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ

મુંબઈ તા.૩૧ : ખાલિસ્તાની આતંકીઓની મોટાપાયે હુમલાની ધમકી મળતા રાજય પોલીસ વિભાગે તમામ પોલીસકર્મીઓની રજા રદ કરી નાખી છે અને શહેરની વ્યવસ્થા લોખંડી કરી દીધી છે. મુંબઈમાં તહેનાત દરેક પોલીસકર્મી ડ્યુટી કરશે.

મુંબઈ પોલીસને ખબર મળી હતી કે ખાલિસ્તાની તત્વ શહેરમાં આતંકવાદી હુમલા કરી શકે છે જે મુંબઈ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. મુંબઈ રેલવે પોલીસ કમિશનર કેસર ખાલિદે જણાવ્યું કે શહેરના મુખ્ય સ્ટેશનો, દાદર, બાન્દ્રા ચર્ચગેટ, સીએસએમટી, કુર્લા અને બીજા સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે. ૩૦૦૦થી વધારે રેલવે અધિકારી તૈનાત રહેશે.ઙ્ગ

ખાલિસ્તાની હુમલાની ધમકી બાદ રાજય પોલીસ વિભાગે તમામ પોલીસકર્મીની રજા રદ કરી દીધી છે અને દરેક પોલીસકર્મીને શહેરના ખુણેખાંચરે ગોઠવવામાં આવ્યા છે.

એક પોલીસ અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, પોલીસને ઈનપુટ મળ્યો હતો કે ખાલિસ્તાની તત્વો મુંબઈમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આતંકવાદી હુમલા કરી શકે છે.અધિકારીએ જણાવ્યું હતું કે, અમે શુક્રવારે 'બંદોબસ્ત' ડ્યુટી માટે પોલીસ કર્મચારીઓની વીક ઓફ તેમજ રજાઓ પણ રદ કરી દીધી છે.

મુંબઈ પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે તેઓ એલર્ટ પર છે અને ૩૧ ડિસેમ્બરે સમગ્ર શહેરમાં કડક જાગરૂકતા રાખશે. ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ (GRP) એ પણ ખતરાને ધ્યાનમાં રાખીને મુખ્ય રેલ્વે સ્ટેશનો પર સુરક્ષા વધારી દીધી છે અને તોડફોડ વિરોધી પગલાં લીધા છે.

GRP મુંબઈના કમિશનર કૈસર ખાલિદે એક ટ્વિટમાં કહ્યું, કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે લોકોને આ મુદ્દે સરકારી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપીએ છીએ. GRP મુંબઈએ મહત્વપૂર્ણ રેલ્વે સ્ટેશન પર તપાસ, શોધ અને તોડફોડના પગલાં માટે વિશાળ માનવબળ તૈનાત કર્યું છે. અમે કાયદાનો કડક અમલ કરાવીશું. અમે લોકોને સહકાર આપવા વિનંતી કરીએ છીએ.

(11:35 am IST)