Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

છોકરીઓના લગ્નના નવા કાયદા પહેલા હૈદરાબાદમાં નિકાહ માટે પડાપડીઃ મસ્જિદોમાં લાંબી લાઈનો

છોકરીઓ માટે લગ્નની ઉંમર ૨૧ થવાના ડરથી હૈદરાબાદમાં મુસ્લિમો છોકરીઓના ફટાફટ નિકાહ કરાવી રહ્યા છે : જો નવું બિલ કાયદો બની જશે તો છોકરીઓ માટે લગ્નની ઉંમર ૨૧ વર્ષની થઈ જશેઃ હૈદરાબાદના એક મૌલવીએ જણાવ્યું હતું કે આ મુસ્લિમ પર્સનલ લોમાં ઘૂસણખોરી છે

હૈદ્રાબાદ,તા.૩૧: જો પ્રોહિબિશન ઓફ ચાઈલ્ડ મેરેજ (એમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૧ એટલે કે બાળ લગ્ન વિરોધી બિલ કાયદો બની જાય છે તો છોકરીઓના લગ્નની ઉંમર ૨૧ થઈ જશે. મુસ્લિમો આને નિકાહમાં કાયદાકિય અવરોધ માની રહ્યા છે. જેના કારણે હૈદરાબાદના જૂના વિસ્તારોની મસ્જિદોમાં નિકાહ માટે લાંબી લાઈનો લાગી રહી છે. આ કાયદો અમલમાં આવે તે પહેલા જ તેઓ નિકાહ કરી દેવા ઈચ્છે છે.

આ મસ્જિદોમાં જે નિકાહ થઈ રહ્યા છે તેમાં છોકરીઓની ઉંમર ૧૮થી ૨૦ વર્ષની વચ્ચે છે. મોટા ભાગના નિકાહ ૨૦૨૨-૨૦૨૩માં કોઈ પણ સમયે થવાના હતા પરંતુ બિલ પાસ થઈ જવાના ડરે તેમના પરિવારોમાં ખળભળાટ મચી ગયો છે અને તેઓ નક્કી તારીખ પહેલા જ નિકાહ કરાવી દેવાની દોડમાં લાગી ગયા છે.

બાબાનગરના એક રહેવાસીએ જણાવ્યું હતું કે, અમે અમારી પુત્રીના લગ્ન ૨૦૨૨ની મધ્યમાં કરવાની તૈયારી કરી હતી કેમ કે તેના પિતા તાજેતરમાં જ નોકરીની શોધમાં શ્રીલંકા ગયા હતા. અમને આશા હતી કે તેઓ લગ્નની વ્યવસ્થા કરવા માટે થોડા રૂપિયા કમાવીને આવશે. પરંતુ જયારે અમે બિલ અંગે સાંભળ્યું તો અમારે તાબડતોબ નિકાહ કરાવવા પડ્યા.

લોકડાઉનમાં નોકરી ગુમાવનારા રહેમત અલીએ જણાવ્યું હતું કે, અમે અમારી પુત્રીને થોડું ફર્નિચર, સોનું, કપડા અને રોકડા રૂપિયા સાથે સાસરે મોકલવા ઈચ્છતા હતા. પરંતુ હાલમાં હું પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છું. રહેમતની ૨૦૨૦ના લોકડાઉન દરમિયાન ડ્રાઈવરની નોકરી છૂટી ગઈ હતી. રહેમતની પાંચ છોકરીઓ અને એક છોકરો છે. તેમણે પોતાની દીકરીના નિકાહ ૨૬ ડિસેમ્બરે કરાવ્યા હતા અને વિદાય માટે ચાર-પાંચ મહિનાનો સમય માંગ્યો છે.

ચંદ્રયાનગુટ્ટા રહેવાસી યુગલ પોતાની પુત્રીના લગ્ન માટે કેસીઆરની શાદી મુબારક યોજના પર આધાર રાખે છે. ૨૦૧૪માં ટીઆરએસ સરકારે આ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના એસસી, એસટી, ઈબીસી અથવા લદ્યુમતીઓને ૧ લાખ રૂપિયાની આર્થિક મદદ આપે છે. યોજનાનો લાભ લેવા માટે છોકરીઓની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ હોવી જોઈએ.

આ વિસ્તારના એક સ્થાનિક નેતા ફિરોઝ ખાને જણાવ્યું હતું કે, પરિવાર નિકાહ કરાવી રહ્યા છે જેથી તેઓ તાત્કાલિક યોજના માટે અરજી કરી શકે અને આગામી કેટલાક મહિનામાં તેમને મદદ મળી શકે. એક વખત પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ તેઓ નિકાહ કરી શકે છે. આગામી થોડા દિવસની અંદર આ વિસ્તારમાં ૪૦થી વધારે નિકાહ થવાના છે.

બિલ અંગે પ્રતિક્રિયા આપતા મુસ્લિમ ધર્મગુરૂ અને અમરત-એ-મિલ્લત-એ-ઈસ્લામિયા તેલંગાણા અને આંધ્રના પ્રમુખ મૌલાના ઝફર પાશાએ જણાવ્યું હતું કે આ મુસ્લિમ પર્સનલ લોમાં દ્યૂસણખોરી છે. તેમણે કહ્યું હતું કે, ઈસ્લામમાં એક મુસ્લિમ યુવતી યૌવન પ્રાપ્ત કર્યા બાદ લગ્ન કરી શકાય છે. જો બિલ પાસ થાય છે તો આ છોકરીઓની સુરક્ષા સંબંધીત દ્યણા મુદ્દાઓ હશે.

(10:13 am IST)