Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કાલિચરણ મહારાજની ધરપકડ પર મધ્યપ્રદેશ સરકારનો વિરોધ

ગાંધીજી પર આપત્તીજનક ટિપ્પણ પર ધરપકડ થઈ હતી : કાલીચરણ મહારાજની છત્તીસગઢ પોલીસે ખજૂરાહોથી કરેલી ધરપકડમાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન ન થયાનો આક્ષેપ

નવી દિલ્હી, તા.૩૦ : મહાત્મા ગાંધીજી પર આપત્તિજનક નિવેદન આપનારા કાલીચરણ મહારાજની છત્તીસગઢ પોલીસે મધ્યપ્રદેશના ખજૂરાહો ખાતેથી ધરપકડ કરી છે અને તેની સામે મધ્યપ્રદેશ સરકારે વાંધો ઉઠાવ્યો છે.

કાલીચરણ મહારાજને છત્તીસગઢ પોલીસની ટીમે ખજૂરાહોની હોટલમાંથી ઝડપી પાડ્યા હતા.એમપી સરકારનો આરોપ છે કે, તેમની ધરપકડમાં કાયદાકીય પ્રક્રિયાઓનુ પાલન કરવામાં આવ્યુ નથી.મધ્યપ્રદેશ પોલીસને ધરપકડ અંગે જાણ પણ કરવામાં આવી નથી.

દરમિયાન છત્તીસગઢ પોલીસ કાલીચરણ મહારાજને લઈને રવાના પણ થઈ ગઈ છે.કાલીચરણ મહારાજને સવારે ચાર વાગ્યે પકડવામાં આવ્યા હતા.

મધ્યપ્રદેશ પોલીસે તેની સામે કહ્યુ છે કે, આંતરરાજ્ય પ્રોટોકોલનો છત્તીસગઢ પોલીસે ભંગ કર્યો છે.એમપીના પોલીસ વડાએ છત્તીસગઢના પોલીસ વડા સાથે વાત કરીને આખી પ્રક્રિયા પર આપત્તિ વ્યક્ત કરીને ખુલાસો માંગ્યો છે.

એમપીના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ કહ્યુ છે કે, છત્તીસગઢ સરકારે પ્રોટોકોલનુ પાલન કરવુ જોઈતુ હતુ અને એમપી પોલીસને તેની સૂચના આપવાની જરુર હતી.છત્તીસગઢ સરકાર નોટીસ આપીને પણ તેમનો બોલાવી શકતી હતી.

જ્યારે છત્તીસગઢ સીએમ ભુપેશ બઘેલે કહ્યુ છે કે, કાલીચરણ અને તેના પરિવારને ધરપકડ અંગે સૂચના આપવામાં આવી છે.અમારી પોલીસે કોઈ નિયમ તોડયા નથી.

(12:00 am IST)