Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કેન્દ્ર સરકારે કુદરતી આફતોથી પીડિત ગુજરાત સહિત 6 રાજ્યો 3 હજાર કરોડની વધારાની સહાય મંજૂર કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ 6 રાજ્યોને 3,063.21 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે ગુજરાત સહિત દેશના 6 રાજ્યો માટે 3 હજાર કરોડ રૂપિયાથી વધુની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાનઅમિતભાઇ શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ 6 રાજ્યોને 3,063.21 કરોડ રૂપિયાની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે.

કેન્દ્ર તરફથી મંજૂરી મળ્યા બાદ ગુજરાત,આસામ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ જે કુદરતી આફતોથી પ્રભાવિત છે, તેમને 2021માં પૂર, ભૂસ્ખલન અથવા ચક્રવાત માટે વધારાની મદદ મળશે.

 

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિ (HLC)એ 2021 દરમિયાન પૂર, ભૂસ્ખલન અને ચક્રવાતથી પ્રભાવિત છ રાજ્યોને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF) હેઠળ વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે તે આ કુદરતી આફતોનો સામનો કરી રહેલા છ રાજ્યોના લોકોને મદદ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સંકલ્પને દર્શાવે છે.

 

2021માં ‘તાઉતે’ વાવાઝોડા માટે ગુજરાતને રૂ. 1,133.35 કરોડ, વાવાઝોડા ‘યાસ’ માટે પશ્ચિમ બંગાળને રૂ. 586.59 કરોડ, આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન પૂર અને ભૂસ્ખલન માટે આસામને રૂ. 51.53 કરોડ, કર્ણાટક માટે રૂ. 504.06 કરોડ, મધ્યપ્રદેશ માટે રૂ. 600.50 કરોડ અને ઉત્તરાખંડ માટે રૂ. 187.18 કરોડની કેન્દ્રીય સહાય મંજૂર કરવામાં આવી છે.

આ વધારાની સહાય રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)માં કેન્દ્ર દ્વારા રાજ્યો માટે જાહેર કરાયેલી રકમ ઉપરાંત છે, જે રાજ્યો પાસે પહેલેથી ઉપલબ્ધ છે. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા 28 રાજ્યોને તેમના SDRFમાં 17,747.20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે અને હવે આ રાજ્યોને NDRF તરફથી 3,543.54 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

‘તાઉતે’ વાવાઝોડા અને ‘યાસ’ વાવાઝોડાની તબાહી બાદ એનડીઆરએફ દ્વારા 20 મેના રોજ ગુજરાતને એડવાન્સ 1,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જ્યારે 29 મેના રોજ પશ્ચિમ બંગાળને 300 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. વર્ષ 2021-22 દરમિયાન, કેન્દ્ર સરકારે અસરગ્રસ્ત રાજ્ય સરકારો તરફથી મેમોરેન્ડમ મેળવવાની રાહ જોયા વિના, કુદરતી આફતો પછી તરત જ 22 આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમ (IMCTs) નિયુક્ત કરી હતી.

(12:29 am IST)