Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વિદેશથી આવનાર સંક્રમિત યાત્રીઓને કોવિડ કેર સેન્ટરમાં રાખવા દિલ્હી સરકારનો આદેશ

સંક્રમિત વિદેશી પ્રવાસીઓને જિલ્લાઓમાં અલગ કરેલી હોટેલો અને કોવિડ કેર સેન્ટર્સમાં આઈસોલેશનમાં રખાશે :આ સુવિધા પેઈડ અને ફ્રી બંને રીતે મળશે

નવી દિલ્હી :રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોના વાઈરસના સંક્રમણના કેસ વધવા લાગ્યા છે. ઓમિક્રોનના રૂપમાં દસ્તક આપી રહેલા કોરોનાના નવા પ્રકારને કારણે દિલ્હીની સ્થિતિ પણ ચિંતાજનક બની રહી છે. દિલ્હી સરકાર દ્વારા ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને ઘણી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે, જેથી ચેપને રોકી શકાય.

આવી સ્થિતિમાં વિદેશથી આવતા લોકો પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હવે રાજધાનીમાં વિદેશથી આવતા ચેપગ્રસ્ત લોકોને અલગ કોવિડ કેર સેન્ટર અને હોટલમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી એરપોર્ટ પર બહારથી આવતા સંક્રમિત વિદેશી પ્રવાસીઓને જિલ્લાઓમાં અલગથી ઓળખાયેલી હોટેલો અને કોવિડ કેર સેન્ટર્સમાં આઈસોલેશનમાં રાખવામાં આવશે

આ સુવિધા પેઈડ અને ફ્રી બંને રીતે મળશે. અગાઉ તમામ સંક્રમિતોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમાંથી જેઓ નેગેટિવ આવ્યા હતા તેમને તેમના ઘરમાં એકાંતમાં રહેવા માટે કહેવામાં આવ્યું હતું. ચેપગ્રસ્તોને હોટલ અને કોવિડ કેર સેન્ટર્સમાં અલગ રાખવામાં આવ્યા હતા. હવે વિદેશથી આવનારા નાગરિકો કે જેઓ સંક્રમિત જોવા મળશે, તેમને અલગથી ઓળખાયેલી હોટલ અને કેન્દ્રોમાં રાખવામાં આવશે.

દિલ્હી સરકારના આરોગ્ય વિભાગે તમામ જિલ્લા અધિકારીઓને પત્ર લખીને જણાવ્યું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 30 નવેમ્બર, 2021ના રોજ બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને કોવિડ કેર સેન્ટર્સમાં ચૂકવણી અથવા મફતમાં જવાની મંજૂરી આપવામાં આવશે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉભી કરાયેલ હોટેલો ચાલુ રાખવામાં આવશે, આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત ટીમોએ સૂચના અનુસાર આવા કેસ ટ્રાન્સફર કરવા જોઈએ.

(12:00 am IST)