Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

યુપીમાં કોંગ્રેસના નેતા અને તેના ભત્રીજાની ગોળી મારીને હત્યા

ઘરની બહાર ગાળાગાળી કરતા શખ્સને ટપારતા ગોળી મારી દીધી

 ચિત્રકૂટ : તા.૩૧, યુપીના  ચિત્રકૂટ જિલ્લામાં એક કોંગ્રેસી નેતા અને તેમના ભત્રીજાની હત્યા કરવામાં આવી હતી. આ સનસનાટી ભર્યા હત્યાકાંડથી આ વિસ્તારમાં હાહાકાર થઇ ગયો છે. આ ઘટના ચિત્રકૂટ જિલ્લાના પહાડી પોલીસ સ્ટેશનના પ્રસિદ્ઘપુર ગામની છે. અહીંના કોંગ્રેસી નેતા અશોક પોતાના ઘરે જમવા માટે જઈ રહ્યા હતા. ત્યારે કમલેશ રેંકવાર નામનો આરોપી પોતાના ઘરની બહાર દારૂ પી રહ્યો હતો અને ગાળાગાળી કરી રહ્યો હતો કોંગ્રેસ નેતાએ તેને ટપારતા તેનાથી નારાજ થઈ કમલેશ રેંકવારે પોતાની લાયસન્સવાળી બંદૂક કાઢીને તેના પર તરત જ ફાયરિંગ શરૂ કરી દીધું. જેમાં કોંગ્રેસના નેતા અશોક અને તેના ભત્રીજા શુભમને ગોળી લાગી ગઈ. બંનેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું.

 ઘટના પછી આરોપી ફરાર થઈ ગયો હતો ત્યાર પછી રોષે ભરાયેલા મૃતકોના કુટુંબીજનોએ આરોપીના ઘરમાં તોડફોડ કરીને ઘરમાં આગ લગાવી દીધી હતી. જેના લીધે આખું ઘર બળીને રાખ થઈ ગયુ હતું. બનાવની માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચેલ પોલીસે ફાયર બ્રિગેડને બોલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. ચિત્રકૂટના પોલીસના વડા અંકિત મિતલે કહ્યું કે આરોપીને ઝડપી લેવા ત્રણ  ટીમોની  રચના કરાઇ છે. ટૂંક સમયમાં જ આરોપીને ગિરફ્તાર કરીને જેલભેગા મોકલી દેવાશે.

(4:07 pm IST)