Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

રાજસ્થાનના કોટાની હોસ્પિટલમાં ૫ દિવસમાં ૧૪ બાળકોના મોતથી હોબાળો

કેન્દ્રિય ટીમ તાબડતોબ પહોંચી

કોટા, તા.૩૧: રાજસ્થાનના કોટામાં હોસ્પિટલમાં બાળકોના મોતને કારણે હોબાળો મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોટામાં આવેલા જે કે લોન હોસ્પિટલમાં પાંચ જ દિવસમાં વધુ ૧૪ બાળકોના મોત નિપજયા છે. જે સાથે જ આ હોસ્પિટલમાં મૃત્યુ પામનારા બાળકોની સંખ્યા વધીને ૯૧ થઇ ગઇ છે.

બીજી તરફ ટપાટપ બાળકોના મોત થતા કેન્દ્રીય સ્તરની એક ટીમ આ હોસ્પિટલની મુલાકાત માટે આવી હતી. નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઇન્ડ રાઇટ્સની ટીમે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કર્યો હતો જેને કેન્દ્ર સરકાર સુધી પણ પહોંચાડવામાં આવી શકે છે. દરમિયાન ભાજપે આ મામલે રાજયની સરકારને ભીસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

જે રાષ્ટ્રીય સ્તરની ટીમે આ હોસ્પિટલની મુલાકાત લીધી હતી તેના ચેરપર્સન પ્રિયંક કાનૂન્ગોએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આ વર્ષે ૯૪૦ બાળકોના મોત નિપજયા છે. હોસ્પિટલમાં જે બારીઓ છે તેને કાચ નથી જેને પગલે અતી ખરાબ તાપમાનની અસર બાળકો પર થાય છે. અતી ઠંડા વાતાવરણને કારણે પણ બાળકોના મોત નિપજી રહ્યા છે.

ઠંડી સામે રક્ષણ આપે તેવી કોઇ જ સુવિધા આ હોસ્પિટલાં ન હોવાથી આ મોટી જાનહાની સામે આવી છે. બીજી તરફ આ રિપોર્ટ સામે આવ્યા બાદ રાજસૃથાનની સરકાર પણ દોડતી થઇ ગઇ છે અને તાત્કાલક બાળકોને યોગ્ય સારવાર આપવાના આદેશ પણ હોસ્પિટલ પ્રશાસનને આપવામાં આવ્યા છે.ભાજપે આરોપ લગાવ્યો હતો કે સરકાર દ્વારા બાળકોની કાળજી નથી રાખવામાં આવી રહી જેને પગલે આ મોત થઇ રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા અહીં વિવિધ સ્થળે ધરણા પ્રદર્શનના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા અને હોસ્પિટલ પ્રશાસનના જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગણી પણ કરી હતી.

(11:20 am IST)