Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

શીખ વિરોધી રમખાણ : અંતે સજ્જને શરણાગતિ સ્વીકારી

શરણાગતિ સ્વીકાર્યા બાદ પૂર્વ દિલ્હીની જેલમાં : મહેન્દ્ર યાદવ અને કિસન ખોખર બાદ સજ્જનકુમારે પણ શરણાગતિ સ્વીકારી : સજ્જનની ઘણી શરતો સ્વીકારાઈ

નવી દિલ્હી, તા. ૩૧ : ૧૯૮૪માં સીખ વિરોધી રમખાણના મામલામાં આજીવન કેદની સજા પામેલા પૂર્વ કોંગ્રેસી નેતા સજ્જન કુમારે આજે દિલ્હીની કડકડડૂમા કોર્ટમાં શરણાગતિ સ્વીકારી લીધી હતી. પૂર્વીય દિલ્હી સ્થિત મંડોલી જેલમાં ત્યારબાદ મોકલાનો આદેશ કરવામાં આવ્યો હતો. સજ્જનકુમારથી પહેલા બે અપરાધી મહેન્દ્ર યાદવ અને કિસન ખોખરે પણ શરણાગતિ સ્વીકારી લીધી હતી. કોર્ટે મહેન્દ્ર યાદવને કેટલીક છુટછાટ આપી હતી જેમાં ચાલવા માટેની લાકડી અને ચશ્મા જેલમાં લઇ જવાની મંજુરી આપી હતી. યાદવ અને ખોખરને ૧૦-૧૦ વર્ષની સજા કરવામાં આવી હતી. ૧૭મી સપ્ટેમ્બરના દિવસે દિલ્હી હાઈકોર્ટે સજ્જનકુમારને દિલ્હી કેમ્પ વિસ્તારમાં પાંચ શીખ લોકોની હત્યાના મામલામાં દોષિત ઠેરવ્યા હતા. હાઈકોર્ટે કુમારને શરણાગતિ સ્વીકારવા માટે ૩૧મી ડિસેમ્બર સુધીની મહેતલ આપી હતી. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અદિતી ગર્ગ સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી હતી. કોર્ટે સજ્જનકુમારની સુરક્ષા સાથે સંબંધિત બાબતને સ્વીકારી લીધી હતી. તેમને એક અલગ વાહનમાં જેલમાં લઇ જવામાં આવ્યા હતા. સજ્જનકુમારે પોતે તિહાર જેલમાં રાખવા માટેની અપીલ કરી હતી પરંતુ આ માંગ ફગાવી દીધી હતી. મહેન્દ્ર યાદવ અને કિસન ખોખર બાદ સજ્જનકુમારે પણ શરણાગતિ સ્વીકારી લેતા આ મામલામાં વધુ તપાસ આગળ વધી રહી છે. હાઈકોર્ટે અગાઉ શરણાગતિ સ્વીકારવા સજ્જનકુમારને ૩૧મી ડિસેમ્બરની મહેતલ આપી હતી. ૨૧મી ડિસેમ્બરના દિવસે ૭૩ વર્ષીય કોંગ્રેસી નેતા દ્વારા વધુ સમય આપવાની અપીલને ફગાવી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો મામલે દિલ્હી હાઈકોર્ટે ૧૭મી ડિસેમ્બરના દિવસે મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને પલટી નાખતા કોંગ્રેસના નેતા સજ્જન કુમારને તોફાનો ભડકાવવા અને કાવતરા રચવાના મામલે દોષિત જાહેર કર્યા હતા. ન્યાયમૂર્તિ એસ મુરલીધર અને ન્યાયમૂર્તિ વિનોદ ગોયલની પેનલે ૨૯ ઓક્ટોબરના રોજ સીબીઆઈ, રમખાણો પીડિતો અને દોષિતો દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી હાથ ધર્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. સજ્જનકુમારને ૧૭મી ડિસેમ્બરના દિવસે અપરાધી ઠેરવીને જન્મટીપની સજા ફટકારી હતી. સીબીઆઈએ પહેલી નવેમ્બર ૧૯૮૪ના રોજ દિલ્હી કેન્ટના રાજ નગર વિસ્તારમાં પાંચ શિખોની હત્યાના મામલે કોંગ્રેસ નેતા સજ્જનકુમારને છોડી મૂકવાના નીચલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. શીખ વિરોધી રમખાણના કારણે કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો છે. આ મામલો ભાજપના લોકો હજુ પણ જોરદારરીતે ઉઠાવી રહ્યા છે.

(8:13 pm IST)