Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

પાક અધિકૃત કાશ્‍મીરને પોતાનું રાજ્‍ય બનાવવા માટે પાકિસ્‍તાનની નવી ચાલ

ઇસ્‍લામાબાદ તા. ૧૬ : ભારતના વિરોધ છતાં પાકિસ્‍તાન પોતાના કબજાવાળા કાશ્‍મીરને સત્તાવાર રીતે પોતાની સરહદમાં ભેળવવા માટે નવા પેંતરા કરી રહ્યું છે. પાકિસ્‍તાન સરકારે ગુરૂવારે એક સમિતિનું ગઠન કર્યું, જે ગિલગિત-બાલ્‍ટિસ્‍તાન (પીઓકે)ની કાનૂની વ્‍યવસ્‍થાની સમીક્ષા કરશે. બીજા શબ્‍દોમાં કહીએ તો આ સમિતિ આ વાત અંગેનો રિપોર્ટ બનાવશે કે ગિલગિત-બાલ્‍ટિસ્‍તાનને કેવી રીતે આંતરરાજય તરીકે પાકિસ્‍તાનમાં સામેલ કરાઇ.

ઉલ્લેખનીય છે કે ગિલગિત-બાલ્‍ટિસ્‍તાન વિસ્‍તાર ભારત જમ્‍મુ-કાશ્‍મીરનો જ એક ભાગ છે. જેના પર પાકિસ્‍તાન દ્વારા ૧૯૪૮માં કબાઇલી હુમલામાં પોતાના કબજામાં કરી લીધો.

ઉત્તરી ક્ષેત્રના નામથી ઓળખાતા આ વિસ્‍તારને પાકિસ્‍તાન પોતાના ૫માં રાજય તરીકે જાહેર કરવા માગે છે. જેનો ભારત તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિસ્‍તારનો મુદ્દો બંને દેશો તરફથી સંયુક્‍ત રાષ્ટ્રમાં પેન્‍ડીંગ છે.

પાકિસ્‍તાન તરફથી ૧૦ સભ્‍યોની સમીક્ષા સમિતિનું ગઠન કરવામાં આવ્‍યું છે. ચીફ જસ્‍ટિસ સાકિબ નિસારની અધ્‍યક્ષતાવાળી ૭ જ્જની પીઠે ઓક્‍ટોબરમાં આ વિસ્‍તારને પાકિસ્‍તાનના રાજય બનાવવા માટે કાનૂની સ્‍થિતિની સમીક્ષા કરવાનો નિર્દેશ કર્યો હતો.

(10:46 am IST)