Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

કપાસના ટેકાના ભાવ વધવાથી નવી સીઝનમાં વધુ ખરીદીઃCCI

CCI પાસે હજી પણ ગયા વર્ષનો ૧.રપ લાખ ગાંસડીનો સ્ટોકઃ ૩૬,૦૦૦ ગાંસડી નિકાસ

નવી દિલ્હી તા. ૧૮: દેશમાં પહેલી ઓકટોબરથી શરૂ થનારી નવી રૂની સીઝનમાં સરકારી ખરીદી વધી જાય એવી સંભાવના છે. કેન્ઘ્ર સરકારે નવી સીઝન માટે કપાસના ટેકાના ભાવમાં મોટો વધારો કરતાં અને વાવેતર પણ સરેરાશ ગયા વર્ષ જેટલું જ થયું હોવાથી ખરીદી વધવાની સંભાવનાં CCI એ દર્શાવી હતી.કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા CCI દ્વારા ચાલુ સીઝનવર્ષ ર૦૧૭-'૧૮માં કુલ ૧૦.૭૦ લાખ ગાંસડી રૂની ખરીદી કરવામાં આવી હતી, જેમાં ટેકાના ભાવથી માત્ર ૩.૭પ લાખ ગાંસડી જ ખરીદી કરી હતી.CCI ના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે 'ઓકટોબર મહિનાથી શરૂ થનારી નવી સીઝનમાં કપાસની ખરીદી ગયા વર્ષથી વધી જાય એવી સંભાવના છે. CCI દ્વારા સપ્ટેમ્બર મહિનામાં કપાસના ઊભા પાકની સ્થિતિ જોઇને નવી સીઝન માટેનો રૂની ખરીદીનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવશે. કોર્પોરેશન માટે હજી ૧.રપ લાખ ગાંસડી રૂનો સ્ટોક પડયો છે અને ચાલુ વર્ષે સરકારે ૩૬,૦૦૦ ગાંસડી રૂની નિકાસ પણ કરી હતી.ઉલ્લેખનીય છે કે નવી સીઝનમાં કપાસના ટેકાના ભાવમાં પ્રતિ કિવન્ટલ ૧૧૩૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને મીડિયમ સ્ટેપલ માટે પ૧પ૦ રૂપિયા અને લોન્ગ સ્ટેપલ માટે પ૪પ૦ રૂપિયા ફિકસ કર્યા છે. CCI દ્વારા ઓકટોબર મહિનાથી સાઉથમાં ખરીદી શરૂ કરી દેવામાં આવશે. હાલ રૂના ભાવ સરેરાશ ઊંચા હોવાથી નવી સીઝન પૂર્વે CCI પાસે પડેલો સ્ટોક ખાલી થઇ જાય એવી સંભાવના છે.દેશમાં કપાસનું વાવેતર ગયા સપ્તાહના અંત સુધીમાં ૩.૮પ ટકા ઘટીને ૧૧ર.૬ લાખ હેકટરમાં થયું છે, જે ગયા વર્ષે ૧૧૭.૧૧ લાખ હેકટરમાં થયું હતું. (૭.૧૦)

(10:57 am IST)