Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

રાજયો કવોટાની બેઠકોના માપદંડ નકકી કરી શકશે

સુપ્રિમ કોર્ટે આપ્યો ફેંસલોઃ BDS-MBBS ઉમેદવારોની અરજી ફગાવી

નવી દિલ્હી તા. ૧૮: સુપ્રિમ કોર્ટે એક ચુકાદામાં કહ્યું છે કે, રાજય કવોટાની બેઠકો ઉપર એમબીબીએસ, બીડીએસ અને આયુર્વેદના કોર્સ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, નિવાસીય/ડોમીસ્ટાઇલની લાયકાત નકકી કરવાનો રાજયોને અધિકાર છે.

બીડીએસ અને એમબીબીએસ કોર્સના કેટલાક વિદ્યાર્થીઓની અરજી ઉપર કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. આ અરજી તેમણે આસામની મેડીકલ અને ડેન્ટલ કોલેજ રૂલ્સના નિયમ ૩(૧) (સી) ને પડકારતા આપી હતી, જેમાં કહેવાયું હતું કે સ્ટેટ કવોટા સીટ માટે ઉમેદવારે રાજયમાં સાતમાથી બારમા ધોરણ સુધી અભ્યાસ કરવો જરૂરી છે. આ મામલામાં અપવાદ ફકત એમના માટે જ હતો, જેના માતા-પિતા રાજય અથવા કેન્દ્ર સરકારમાં નોકરી કરતા હોય અને રાજયની બહાર રહેતા હોય.

વિદ્યાર્થીઓનું કહેવું હતું કે જે વિદ્યાર્થી રાજયમાં સાતથી બાર ધોરણ સુધી ન ભણ્યા હોય તે એમબીબીએસની ડીગ્રી મેળવીને રાજયમાં સેવા કરવા ઇચ્છુક નથી હોવા તેવી કોઇ સાબીતીઓ નથી. તેમણે કહ્યું કે રાજયએ પહેલેથી જ નિયમ બનાવેલો છે કે મેડીકલ અથવા ડેન્ટલની ડીગ્રી મેળવ્યા પછી તેમણે રાજયમાં પાંચ વર્ષ સુધી સેવા આપવી પડશે અને અથવા એક વર્ષ માટે ગ્રામ્ય વિસ્તારમાં કામ કરવું પડશે. આનો ભંગ કરનારને ૩૦ લાખ રૂપિયા દંડ થશે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, આ નિયમને જોતા નિયમ ૩(૧)(સી) ની જરૂરીયાત ફરજીયાત ન હોવી જોઇએ. પણ જસ્ટીસ અરૂણ મિશ્રા અને એસએનજીરની બેંચે વિદ્યાર્થીઓની અરજી રદ દકરી નાખી હતી. બેંચે કહ્યું કે નિયમનો ઉદ્દેશ એવો છે કે વિદ્યાર્થી મેડીકલનો અભ્યાસ કરીને રાજયની સેવા કરે.

જયારે ડોમીસાઇલ માટેની શૈક્ષણિક યોગ્યતા માટે સુપ્રીમ પહેલેથી નકકી કરી ચુકી છે રાજયને આ બાબતે નિયમો નકકી કરવાનો અધિકાર છે. (૭.૧૪)

(10:56 am IST)