Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

સાડા ચાર વર્ષમાં પહેલીવાર મોદી પોતાના કાર્યાલયે ન ગયાઃ રજા રાખી

આખો દિવસ અટલજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં વિતાવ્યો

નવી દિલ્હી તા. ૧૮: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાડા ચાર વર્ષના કાર્યકાળમાં દિલ્હી હોવા છતાં પોતાના કાર્યાલયે ન ગયા હોય તેવું પહેલી વાર બન્યું હતું. વાજપેયીના નિધન પછી મોદી ગુરૂવારથી જ વ્યસ્ત હતા. વાજપેયીજીના પાર્થિવ શરીરને એમ્સથી તેમના સરકારી નિવાસસ્થાને લાવવામાં પછી શુક્રવારે સરકારી નિવાસથી પાર્ટીની ઓફીસે લઇ જવાથી માંડીને અંતિમ યાત્રા સુધી વડાપ્રધાન પોતે હાજર રહ્યા હતા.

સુત્રોએ જણાવ્યું કે મોદીએ ઓચિંતાજ અટલજીની અંતિમ યાત્રામાં પગપાળા ચાલવાનું નકકી કર્યું હતું. પહેલા તે સીધા સ્મૃતિ સ્થળે પહોંચશે એવી સુચના અપાઇ હતી. વડા પ્રધાનના ઓચિંતાજ અંતિમ યાત્રામાં પગપાળા ચાલવાના નિર્ણય પછી સુરક્ષા વ્યવસ્થા ફરીથી ગોઠવવામાં આવી હતી.

વાજપેયીની અંતિમ યાત્રામાં એટલી ભીડ હતી કે દિનદયાળ ઉપાધ્યાય ખાતે આવેલ ભાજપા મુખ્યાલયથી સ્મૃતિ સ્થળ સુધીની ૬ કિ.મી.ની યાત્રા પુરી કરવામાં ૧ કલાક ૪૦ મીનીટ થઇ હતી.

વાજપેયીની અંતિમ યાત્રા ડીડી માર્ગના ભાજપા મુખ્ય કાર્યાલયથી શરૂ થઇ અને આઇટીએ ક્રોસીંગ, બહાદુર શાહ જફર રોડ, દિલ્હી ગેટ, નેતાજી સુભાષચંદ્ર બોસ રોડ, શાંતિવન ચોક થઇને સ્મૃતિ સ્થળે પહોંચી હતી. તેમનો પાર્થિવ દેહ જે જે રસ્તેથી પસાર થયો તેની બન્ને બન્ને બાજુ હજારો લોકો તેમના અંતિમ દર્શન ઉભેલા જોવા મળ્યા હતા. લોકો તેમના શરીર પર પુષ્પ વર્ષા કરી રહ્યા હતા. (૭.૧૬)

(10:56 am IST)