Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

બળીયા ઝઘડશે તેમાં ભારતને લાભ

અમેરિકા - ચીનની ટ્રેડ વોર : ભારતને મળશે સસ્તુ ક્રૂડ ઓઇલ

નવી દિલ્હી તા. ૧૮ : અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે ભારતને સીધો ફાયદો થઈ શકે છે. આ ફાયદો ભારતને ઈરાન પાસેથી તેલ ખરીદવાની છૂટ અંગેનો છે. ભારત માટે ઈરાન પર મુકવામાં આવેલ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધમાં અમેરિકા રાહત આપે તો ભારત સસ્તુ ક્રુડ ઓઇલ ખરીદી શકે છે. એવું બની શકે છે કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધ ૪ નવેમ્બરના રોજ લાગુ પડશે ત્યારબાદ પણ ભારત ઈરાન પાસેથી ક્રુડ ઓઇલની ખરીદી કરી શકે છે.

હીકકતમાં ચીનના ઓઇલ ઇમ્પોર્ટર યુનિપેકે અમેરિકાના શિપમેન્ટને રોકી દીધું છે. કહેવાય છે કે ટ્રેડ વોરમાં હવે ચીન અમેરિકાથી આવતા ક્રુડ ઓઇલ પર પણ ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાની તૈયારી કરી રહ્યું છે. જોકે ચીને ગત સપ્તાહમાં ઇમ્પોર્ટ ડ્યુટી ધરાવતા પ્રોડકટનું જે લિસ્ટ જાહેર કર્યું તેમાં ક્રુડ ઓઇલ સામેલ નથી. જાણાકરોનું કહેવું છે કે તેવું તેટલા માટે કરવામાં આવ્યું હતું કેમ કે કેટલાક શિપ્સ રસ્તામાં હતા અને રિફાઇનર્સ સાથે તેમનો સોદો પહેલાથી થઈ ગયો હતો. તો ચીન આ રીતે ઇમ્પોર્ટ ડ્યુટીનો હાઉ દેખાડી અમેરિકા સાથે સોદો કરવા માગે છે.

ઉદ્યોગ સાથે જોડાયેલ લોકોનું કહેવુ છે કે બંને સ્થિતિમાં ભારત માટે ફાયદો જ છે. ચીન એશિયાનો સૌથી મોટો ઓઇલ ઇમ્પોર્ટ કરતો દેશ છે અને ઈરાનનો સૌથી મોટો ગ્રાહક છે. ભારત ઈરાન પાસેથી તેલ ખરીદતો બીજો સૌથી મોટો ગ્રાહક છે. રિફાનિંગ કંપનીઓના જણાવ્યા મુજબ જો ચીન અમેરિકા પાસેથી તેલ નથી ખરીદતું તો તેનો સૌથી મોટો આયતકાર દેશ ભારત વધે છે. તેવામાં ભારત પોતાની આયાત ૫-૭ ટકા વધારીને અમેરિકા પાસે પોતાની શરતો પર તેલ આયાતના ભાવ નક્કી કરી શકવાનો મોકો છે તેમજ પ્રતિબંધો અંગે પણ પોતાની વાત મનાવી શકે છે.

તેમણે કહ્યું કે, 'આવી જ ટેકિટસ અમેરિકા વિરુદ્ઘ વાપરીને ચીન પણ ઈરાન પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખી શકે છે. જેનો મતલબ છે જયાં સુધી બજારમાં ઈરાનનું તેલ રહેશે ત્યાં સુધી ક્રુડના ભાવ પણ એક નિયત મર્યાદામાં રહેશે. જેનાથી ક્રુડ પર પ્રતિબંધની અસર ખાસ્સી થશે નહીં. ૨૦૧૦થી ૨૦૧૧ સુધી સાઉદી અરબ પછી ઈરાન જ ભારત માટે સૌથી મોટો ક્રુડ ઓઇલ સપ્લાયર હતો. પરંતુ અમેરિકાના પ્રતિબંધ બાદ ભારતે ક્રુડ ખરીદવાનું ઓછું કરતા તે સાતમા સ્થાને ચાલ્યો ગયો હતો.'(૨૧.૬)

 

(10:26 am IST)