Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ટેકસ ઓડિટ રિપોર્ટ ફોર્મ 3CDમાં GSTના રિપોર્ટીંગમાંથી મુકિત

CBDTનો પરિપત્ર : જૂના ફોર્મમાં રિપોર્ટ માન્ય ૩૧મી માર્ચ, ૨૦૧૯ સુધી નવા ફોર્મ મુલતવીઃ નવા ફોર્મમાં ફેરફારથી થતી પરેશાની અંગે વેપારીઓ, વેપારી સંગઠનોએ રજૂઆતો કરી હતી

નવી દિલ્હી તા. ૧૮ : GSTના અમલ બાદ રૂ. એક કરોડ કે તેથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ, કંપનીઓ અને ભાગીદારી પેઢીઓ વિગેરેએ તેમના હિસાબી ચોપડા ઓડિટ કરાવ્યા બાદ તેમાં GST અંગેની વિગતોનું પણ રિપોર્ટીંગ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. સરકારના આ નિર્ણયથી વેપારીઓની સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પણ પરેશાન થઇ ગયા હતા. આ મુદ્દે સીબીડીટી સમક્ષ દેશભરમાંથી રજૂઆતો થઇ હતી અને તેને ધ્યાનમાં લઇ સીબીડીટીએ આજે, શુક્રવારે આ 3CD ફોર્મમાં GSTનું રિપોર્ટીંગ કરવાનું મુલતવી રાખ્યું છે. સીબીડીટીના નિર્ણયથી વેપારીઓ અને સીએ માટે ઓડિટમાં સરળતા થઇ છે.

ટેકસ એડવાઇઝર પ્રમોદ પોપટના જણાવ્યા મુજબ ઇનકમ ટેકસની કલમ નં.૪૪ એબી અંતર્ગત રૂ. એક કરોડ કે તેથી વધુના ટર્નઓવરવાળા કરદાતાઓએ પોતાના હિસાબો સી.એ. પાસે ઓડિટ કરાવવા પડતા હોય છે. GSTના અમલ બાદ સીબીડીટીએ એક સરકયુલર બહાર પાડીને આ ફોર્મમાં ફેરફાર કર્યો હતો. તે મુજબ કરદાતાઓએ આ ફોર્મમાં GSTની અંગેની ખરીદ-વેચાણની વિગતો પણ રજૂ કરવાની જણાવાયુ હતું.

સીબીડીટી દ્વારા કરવામાં આવેલા આ સુધારાને કારણે કરદાતાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પરેશાન થઇ ગયા હતા. કરદાતાઓ, સીએ અને જુદા જુદા વેપારી સંગઠનોએ આ મુદ્દે રજૂઆતો કરી હતી. દેશભરમાંથી આવેલી રજૂઆતોને ધ્યાનમાં લઇ સીબીડીટીએ હવે આ મુદ્દે નવો સરકયુલર બહાર પાડ્યો છે. તે મુજબ ૩૧મી માર્ચ, ૨૦૧૯ સુધી ફોર્મ 3CD મુલતવી રાખવામાં આવ્યું છે. સીબીડીટીની આ જાહેરાતને પગલે કરદાતાઓને હવે જૂના 3CD ફોર્મમાં ઓડિટ રિપોર્ટ કરી શકશે પરંતુ તેમને GST અંગેની વિગતો આપવામાંથી મુકિત મળી છે.(૨૧.૨)

(9:39 am IST)