Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

અેલ.કે. અડવાણી અને અટલજી વચ્‍ચે ૬પ વર્ષ જૂની દોસ્‍તીઃ બિમારીના કારણે સાર્વજનિક જીવનથી દૂર રહેલા અટલજીને અેલ.કે. અડવાણી અને રાજનાથ સિંહ વારંવાર મળવા જતા હતા

નવી દિલ્હીઃ જ્યારે કોઈ તમારી સાથે 65 વર્ષ સુધી ખંભે ખંભો મિલાવીને ચાલે તેનો મતલબ સમજો છો તમે? એ પછી તે અન્ય વ્યક્તિ રહેતા જ નથી તમે અને એ બંને એક જ બની ગયા હોવ છો. આમ પણ ભારતીયો સરેરાશ 68.8 વર્ષ જીવે છે એટલે જોવા જોઈએ તો તેમા માત્ર 3 જ વર્ષ ઓછા, આટલો અને અહીં સુધીનો જ સાથ હતો અટલ બિહારી વાજપેયી અને અડવાણીનો.

સામાન્ય રીતે સરેરાશ ભારતીય જેટલું જીવે છે તેટલા વર્ષ તો આ બંને નેતાઓએ સાથે પસાર કર્યો. આટલા વર્ષો સુધી દોસ્તી નીભાવી. સત્તાનું શિખર હોય કે રસ્તાની ધૂળ બંને એક સાથે માણ્યું. દુનિયામાં આવતી દરેક જોડી પછી તે ગમે તે હોય અંતે તૂટે છે. કેમ કે કવિતામાં તો કાલના કપાળે લખાયેલ કોઈ ભૂંસી શકાય છે પરંતુ હકીકતમાં તો મૃત્યુ જ પરમ સત્ય છે. 6 દશકાનો તેમનો આ સાથ હવે પૂરો થઈ ગયો અને વાજપેયીની શ્રદ્ધાંજલી સભામાં હજારોની ભીડ વચ્ચે પણ એકલા અટૂલા લાગતા અડવાણીની આ તસવીર જ તેમના દુઃખની ચાડી ખાય છે.

આજે જ્યારે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પોતાની અંતિમ યાત્રાએ નીકળી ચૂક્યા છે ત્યારે તેમના પરમ મિત્ર અને દરેક ક્ષણના સાક્ષી અડવાણીને મનમાં શું થતું હશે? જો કે જ્યાં સુધી અડવાણી જ ખુદ નહીં કંઈ કહે ત્યાં સુધી તેમના આ ભાવ વિશે જાણવું ખૂબ મુશ્કેલ છે. જોકે મેદની વચ્ચે શૂન્યમનસ્ક આંખોથી એકટસ તાકી રહેતા અડવાણીની આંખોમાં જોશો તો આપોઆપ તમને સમગ્ર વાત, વણબોલાયેલ શબ્દો અને મૌનની પાછળનું આક્રંદ સંભળાઈ જશે.

ગુરુવારે જ્યારે ભારતીય રાજનીતિનો અટલ અધ્યાય સમાપ્ત થઈ ગયો ત્યારે અડવાણીએ કહ્યું હતું કે અમારો સાથ 65 વર્ષથી વધુનો હતો અને આજે જ્યારે તે નથી રહ્યો ત્યારે તેને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. સ્વાભાવિક છે, શબ્દ હોય પણ ક્યાંથી અને કઈ રીત? આ 65 વર્ષોમાં કોણ જાણે કેટલાય શબ્દો બંનેએ એકબીજાને કહ્યા હશે. કેટકેટલાય એવી ક્ષણો હશે જેમાં શબ્દો ઓગળી ગયા હશે. વાજપેયીનું મોત દેશ માટે તો શોકનો વિષય છે જ પણ અડવાણી માટે તેનાથી વધુ એક વ્યક્તિગત દુઃખ છે. જે તેમને હવે ખાલીપો અનુભવ કરાવે છે. પાછલા ઘણા વર્ષોથી અટલ બિહારી વાજપેયી બિમારીના કારણે સાર્વજનીક જીવનથી દૂર થઈ ગયા હતા ત્યારે તેમના ઘરે નિયમિત રીતે જઈને મળવાવાળાઓમાં બે જ નામ મુખ્ય હતા. એક અડવાણી અને બીજુ રાજનાથ સિંહ.

જોવાવાળા તો કહે છે કે ભલે અટલજીને બોલવામાં તકલીફ હતી પણ અડવાણી કલાકો સુધી તેમની પાસે બેઠા રહેતા અને પોતાની વાતો કરતા રહેતા. વાજપેયીનું મૌન પણ અડવાણી સમજી લેતા હતા. એ એટલું જ વાસ્તવિક પણ છે કેમ કે 65 વર્ષના સાથ પછી તો શબ્દો નહીં પણ મનની ભાષા વ્યક્તિઓ બોલાતા થઈ જાય છે. મૌન પણ એક આખી કથા કહી જાય તેટલું સમૃદ્ધ થઈ ગયું હોય છે. પરંતુ આજે અડવાણી પાસે ન પોતાના એ અટલ છે અને તેમનું મૌન બસ છે તો ફક્ત વિષાદ.

1952માં પહેલીવાર અટલ અને અડવાણીની મુલાકાત ટ્રેનમાં થઈ હતી. અટલ જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી સાથે રાજસ્થાનના કોટાથી પસાર થઈ રહ્યા હતા. અડવાણી કોટમાં સંઘના પ્રચારક હતા. ટ્રેનમાં મુખર્જીએ બંનેની મુલાકાત કરાવી અને પછી બંનેનો આ સાથ 6 દશકા સુધી ચાલ્યો. કોઈ જેમને જુદા ના પાડી શક્યું તે અટલ અને અડવાણીને છેલ્લે અજેય કાલ સામે નમતું જોખવું પડ્યું. આજે તેમનો એજ મિત્ર અને સાથી સાથ છોડીને અનંતની વાટે ચાલ્યો ગયો છે. ત્યારે જીવના આ પ્રવાસમાં હવે આગળની દોટ ભાજપના આ લોહપુરુષે એકલા જ પૂરી કરવાની છે. ત્યારે તમને શું લાગે છે શું વિચારી રહ્યા હશે અત્યારે અડવાણી?

(5:07 pm IST)